ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ૮ નવા કોર્સ શરૂ કરાશે
અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સેન્ટર ફોર કન્ટિન્યુઇન્ગ એજ્યુકેશન અંતર્ગત સપ્ટેમ્બર -૨૦૧૯થી વિવિધ શોર્ટટર્મ સર્ટીફિકેટ કોર્સીસ ચલાવવમાં આવે છે. સેન્ટર ફોર કન્ટિન્યુઇન્ગ એજ્યુકેશન છેલ્લા ૨ વર્ષના સમયગાળામાં વિવિધ ૧૮ શોર્ટટર્મ સર્ટીફિકેટ કોર્સીસ ચલાવીને ૧૪૦૦થી વધુ વિદ્યાર્થીઓને ૧ થી ૫ લાખ સુધીની રોજગારી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થયુ છે.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ દ્વારા આ સંદર્ભે જણાવવામાં આવ્યું હતું કે , દરેક પ્રકારના જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવો એ જીટીયુનો મુખ્ય ધ્યેય છે. ઈન્ડસ્ટ્રીઝની માંગને ધ્યાનમાં રાખીને જીટીયુ દ્વારા શોર્ટટર્મ કોર્સીસ ચલાવવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ અને રીસચર્સને આર્થીક રીતે પણ લાભદાયી થાય છે.
જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે જણાવ્યું હતું કે, આ સેન્ટર અંતર્ગત કોઈ પણ સંસ્થા શોર્ટટર્મ સર્ટીફિકેટ કોર્સીસ માટે અરજી કરી શકે છે. એડ્વાઇઝરી કમિટી દ્વારા પ્રપોઝ કરાયેલ કોર્સનો અભ્યાસક્રમ, રીસોર્સીસ, પ્રેક્ટીકલ કોર્સ માટે લેબોરેટરીની વ્યવસ્થા, કોર્સ પૂરો કર્યા પછી નોકરી માટેની તકો વગેરે બાબતોની ચકાસણી કરીને જીટીયુ સંલગ્ન કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે.
છેલ્લા ૨ વર્ષના સમયગાળામાં જીટીયુ દ્વારા ડેટાબેઝ પ્રોગ્રામીંગ , સર્ટીફીકેટ પ્રોગ્રામ ઇન ફ્રન્ટ ડેસ્ક એસોસીએટ , ટ્રાવેલ કન્સલ્ટન્ટ, ડેટા એનાલિસિસ વિથ પાયથોન , ફ્રન્ટ ડેસ્ક એસોસીએટ , કન્સેપ્ટસ ઓફ ન્યૂ નોર્મલ ઇન ટ્રાવેલ, ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ અને વૈદિક ગણીત જેવા કોર્સીસ ચલાવીને વિદ્યાર્થીઓ અને રીસર્ચર્સને આર્થિક રીતે મદદરૂપ થયેલ છે.
આગામી દિવસોમાં સેન્ટર ફોર કન્ટિન્યુઇન્ગ એજ્યુકેશન દ્વારા ભારતીય સંસ્કૃતિની વેદભાષા સંસ્કૃત સહિત ક્રોમેટોગ્રાફી , આઈઓટી , એડવાન્સ ઈવેન્ટ મેનેજમેન્ટ અને રેડિયોગ્રાફી એન્ડ સીટી એમઆરઆઈ ટેકનોલોજીના ૮ નવા કોર્સ શરૂ કરવામાં આવશે. જીટીયુના કુલપતિ અને કુલસચીવ દ્વારા સેન્ટર ફોર કન્ટિન્યુઇન્ગ એજ્યુકેશનના કો-ઓર્ડીનેટર શ્રી મહેશ પંચાલને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.