Western Times News

Gujarati News

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર

અમદાવાદ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભુતપૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર પુરા રાજકીય સમ્માન સાથે આજે અહીં અમદાવાદ વીએસ હોસ્પિટલની પાછળ આવેલા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતાં. તેમના પુત્ર અને કાૅંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી અમેરિકાના પ્રવાસે ગયા હતા.

ત્યાંથી પરત આવ્યા બાદ માધવસિહ સોલંકીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને રાજકીય નેતાઓ જાેડાયા હતાં.માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે શનિવારે અવસાન થયું છે. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે આજે અમદાવાદ પાલડી ખાતે આવેલા કાૅંગ્રેસ કાર્યાલય લાવવામાં આવ્યો હતો અહીં બપોરે ૩થી ૫ દરમિયાન નેતાઓ અને કાર્યકરો તેમના અંતિમ દર્શન કર્યા હતાં ત્યારબાદ અમદાવાદ વીએસ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી તેમના ગાંધીનગરના નિવાસ સ્થાનેથી અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં કાર્યકરો અને હજારો સમર્થકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. તેમજ સેવાદળે માધવસિંહને સલામી આપી હતી.

સેવાદળ માધવસિંહ સોલંકીને બ્યુગલ વગાડી ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે પુષ્પાંજલિ આપી હતી. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ શોક સંદેશ મોકલ્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારના પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા. તેમણે મહિસાગર ખાતેનો કાર્યક્રમ રદ કરીને કેબિનેટ બેઠક બોલાવી હતી. બેઠકમાં મંત્રી મંડળે બે મિનિટનું મૌન પાળી શોક દર્શક ઠરાવ પસાર કરાયો હતો. સીએમ રૂપાણીએ સેક્ટર-૨૦ ખાતે માધવસિંહના નિવાસસ્થાને જઇને તેમના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ ઉપરાંત કાૅંગ્રેસના નેતા રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ પણ માધવસિંહના નિવાસસ્થાને પહોંચીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. માધવસિંહ સોલંકીને રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવાનો ર્નિણય પણ રાજ્ય સરકારે કર્યો છે.તેમના નિધનના સમાચાર સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના અનેક મહાનુભાવોએ ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

તેઓ ‘ખામ થિયરી’ માટે જાણીતા થયા હતા. આ થિયરીથી તેમણે ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવ્યા હતા. માધવસિંહ ૧૯૫૭માં મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા અને ૧૯૬૦મા ગુજરાત અલગ રાજ્ય બનતા ગુજરાતની ધારાસભામાં આવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.