ડ્રગ્સ તસ્કરી મામલો : મુચ્છડ પાનવાલાની ધરપકડ થઈ

મુંબઈ: ડ્રગ્સ તસ્કરી મામલામાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો દરરોજ કાર્યવાહી કરી રહ્યું છે. દરરોજ નવા નામ સામે આવી રહ્યાં છે. હવે આ તપાસમાં મુંબઈના જાણીતા મુચ્છડ પાનવાલાનું નામ સામે આવ્યું છે. લાંબી પૂછપરછ કર્યા બાદ એનસીબીએ જયશંકર તિવારી ફર્ફે મુચ્છડ પાનવાલાની ધરપકડ કરી છે.
હકીકતમાં ડ્રગ્સ મામલામાં નામ સામે આવ્યા બાદ એનસીબીએ મુચ્છડ પાનવાલાને સમન્સ મોકલ્યું હતું. ત્યારબાદ સોમવારે તેની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે સોમવારે સવારે શરૂ થયેલી પૂછપરછ મોડી રાત સુધી ચાલી હતી.
જયશંકર તિવારી સવારે ૧૦.૩૦ કલાકે એનસીબી ઓફિસ પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટસ પ્રમાણે મુચ્છડ પાનવાલાની દુકાનમાંથી એનડીપીએસ પદાર્થ પણ જપ્ત થયો છે. ત્યારબાદ તેને પૂછપરછ માટે એનસીબી ઓફિસ બોલાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે મુચ્છડ પાનવાલાની દુકાન મુંબઈના સાઉથ કેમ્પ્સ કોર્નરમાં છે.
મુચ્છડ પાનવાલાની દુકાન ખુબ જાણીતી છે. ઘણી બોલીવુડ સેલિબ્રિટી અને બિઝનેસમેન અહીં આવે છે. આ સિવાય જૈકી શ્રોફ હંમેશા આ દુકાન પર પાન ખાવા આવે છે. અમિતાભ બચ્ચન સહિત ઘણા સેલિબ્રિટીના ઘરે મુચ્છડ પાનવાલાની દુકાનથી પાન જાય છે. હાલમાં મુચ્છડ પાનવાલાએ મુંબઈના એપિએનસી રોડ, મુંબઈ કેન્દ્ર અને ખેતવાડીમાં નવા આઉટલેટ શરૂ કર્યાં છે.