પતિ દારૂ પીને મહિલાને હેરાન કરતા જીવન ટૂંકાવ્યૂ
અમદાવાદ: અમદાવાદ શહેરના ચાંદખેડામાં એક પરિણીતાએ આપઘાત કરી લેવા પાછળ સાસરિયાનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. પરિણીતાએ જીવન ટૂંકાવ્યું તે પહેલા તેની બહેનને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તેના પતિનો બારમો ચંદ્રમાં છે. આથી તે તેને સારી રીતે રાખતો નથી.
પરિણીતાના મોત બાદ સાસરિયાઓએ પોતાનો બચાવ કરવા પરિણીતા ગેલેરીમાં સૂકાવેલા કપડાં લેવા જતા તેનો પગ લપસતા મૃત્યુ થયું હોવાની કહાની ઘડી નાખી હતી. જાેકે, પોલીસ તપાસમાં હકીકત સામે આવતા સાસરિયા સામે ગુનો નોંધાયો છે.
બનાસકાંઠામાં રહેતા રમેશભાઈ મુડેઠીયાને બે પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમની એક પુત્રી ગૌરીબેનના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા. ગૌરીબેન અવારનવાર તેમના પિયરજનોને ફરિયાદ કરતા કે તેનો પતિ દારૂ પીને ઘરે આવે છે. તેનો પતિ વિજય દારૂ પીને ઝઘડા કરતો હતો અને ગૌરીબેનના સાસુ તથા નણંદો કામની બાબતે ત્રાસ ગુજારતા હતાં.
ગૌરીબેન સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ત્રણવાર પિયર પણ જતા રહ્યા હતા. છતાંય તેમના પિયરજનોએ મિટિંગ ગોઠવી તેમની દીકરીનું ઘર બચાવવા પ્રયત્નો કર્યા હતા. જાેકે, તમામ પ્રયાસ છતાં ગૌરીબેનને સંતાન નથી થતા તેમ કહી તેનો પતિ, સાસુ અને નણંદ ત્રાસ આપતા હતા.
આટલું જ નહીં આ બાબતને લઈને તેનો પતિ દારૂ પીને ત્રાસ પણ ગુજારાતો હતો. તેમના ઘરમાં ચોરી થઈ હોવાથી તેઓએ સીસીટીવી પણ મૂકાવ્યા હતા. આ વાત ગૌરીબેનનો ભાઈ તેમના ઘરે ગયો ત્યારે જાણ થઈ હતી. ગત રવિવારના રોજ ગૌરીબેનના મામા સસરાએ તેના પરિવારજનોને ફોન કર્યો હતો.
તેઓએ જણાવ્યું કે ગૌરીબેન બાલ્કનીમાં સૂકવેલા કપડાં લેવા જતા તેમનો પગ લપસતા તેઓ નીચે પટકાયા છે અને તેમનું મૃત્યુ થયું છે. પિયરના લોકો ઘટનાસ્થળ પર ગયા ત્યારે ગૌરીબેનની એક બહેને જણાવ્યું કે મોત પહેલા જ તેમણે ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના સાસરિયાઓ ખૂબ ત્રાસ આપે છે.
ગૌરીબેને એવું પણ જણાવ્યું હતું કે તેમના પતિનો બારમો ચંદ્રમાં છે, આથી તેમને સારી રીતે રાખતા નથી. જેથી તેઓએ આ બાબતને લઈને આપઘાત કર્યો હતો. આ મામલે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યા બાદ ગૌરીબેનના પતિ સહિતના સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.