વેપારી યુવક પર મૉડલે દુષ્કર્મનો કેસ કર્યો; કેસ પતાવવા ૫૦ લાખ માંગ્યા
બ્લેકમેઇલિંગ માટે છોકરીઓના ઉપયોગના કેસ વધ્યા-યુવકે પોલીસ સમક્ષ ફોન કૉલનું રેકોર્ડિંગ રજૂ કરી ફસાવવાનું જણાવ્યું
ઇન્દોર, ડ્રગ્સ અને બ્લેકમેઇલિંગ માટે છોકરીઓના ઉપયોગના કેસ વધી રહ્યા છે. આવા જ એક કેસમાં એક યુવતી અને બે યુવકોએ એક વ્યક્તિ પાસેથી આઠ લાખ રૂપિયા પડાવી લીધા હતા. હવે આ મૉડલ આખા કેસને પતાવવા માટે ૫૦ લાખ રૂપિયા માંગી રહી છે. યુવક પર આ મૉડલે દુષ્કર્મનો કેસ પણ કર્યો છે.
બીજી તરફ આ વ્યક્તિએ મૉડલના ફોન કૉલનું રેકોર્ડિંગ કરીને પોલીસને પુરાવા તરીકે આપ્યું ત્યારે જઈને તે બચ્યો હતો. આ કેસમાં વેપારી યુવકને તેણે જેની પાસેથી ધંધા બાબતે પૈસા લેવાના હતા તે યુવકે ફસાવ્યો હતો. આ કેસમાં ઇન્દોરના સદર બજાર પોલીસે બ્રહ્મ બાગ કૉલોની નિવાસી સુધીર જયસ્વાલની ફરિયાદ પર ૨૦ માર્તંડ ચોક, રામબાગ નિવાસી નીરજ ઉર્ફે ચાષ્ટા શર્મા તેના મિત્ર અમિત ચાવડા રહે. ૨૮૬ સેક્ટર-ઈ સાંવેર રોડ અને જૂની ઇન્દોર ક્ષેત્રમાં રહેતી એક મોડલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦ બી, ૨૯૮, ૩૨૭, ૩૮૪, ૩૮૮, ૩૮૯, ૪૫૨, ૩૨૩, ૨૯૪, ૫૦૬, ૩૪ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.
સુધીરે જણાવ્યું કે, સાંવેર રોડ પર મારું મશીન બનાવવાનું કારખાનું છે. ૨૦ જૂન, ૨૦૧૭ના રોજ મેં જિલ્લા કોર્ટમાં ધંધાણી લેતીદેતીના કેસમાં વેપારી નીરજ શર્મા પર ૭.૫૫ લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થવા અંગે કેસ કર્યો હતો. જે બાદમાં નીરજ મને સતત ફસાવી દેવાની ધમકી આપતો હતો. તે હંમેશા એવું કહેતો હતો કે હું કોઈ છોકરી પાસે તારી સામે કેસ કરાવીશ.
જે બાદમાં હું અને મારી પત્ની સપ્ટેમ્બર, ૨૦૧૭માં ડીઆઈજી પાસે પહોંચ્યા હતા અને તેમની સમગ્ર વાત કહી હતી. જે બાદમાં નીરજે પોતાના મિત્ર અમિત ચાવલા સાથે મળીને સાતમી સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ એક મૉડલ સાથે મળીને મહિલા પોલીસ મથકમાં ખોટો કેસ દાખલ કરાવ્યો હતો. મેં આ અંગે અપીલ કરી હતી અને આગોતરા જામીનની અરજી કરી હતી. મને આગોતરા જામીન મળી ગયા હતા.
સુધીરે પોલીસને જણાવ્યું કે, જામીન મળી ગયા બાદ તે લોકો પૈસા માટે દબાણ કરવા લાગ્યા હતા. તેઓ મને ધમકી આપતા હતા કે અમારી ગેંગમાં છોકરીઓ છે. જેના દ્વારા અલગ અલગ પોલીસ મથકોમાં કેસ કરીને હંમેશ માટે જેલમાં બંધ કરાવી દેશે. હત્યાની પણ ધમકી આપી રહ્યા હતા. એક વખત અમિત અને નીરજે ઘરમાં ઘૂસીને મારપીટ કરી હતી. એટલે સુધી કે બ્લેકમેલ કરીને આઠ લાખ રૂપિયા પડાવી લીધા હતા.
હવે મામલો પૂર્ણ કરવા માટે ૫૦ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે. પોલીસ હાલ આ કેસમાં તપાસ કરી રહી છે. આ મામલે આરોપી અમિત ચાવલાનું કહેવું છે કે આ કેસ સાથે મારે કોઈ લેવાદેવા નથી. સુધીર સામે અનેક ફરિયાદ દાખલ છે. પોલીસ તેની સામે તપાસ કરી રહી છે અને તે તેનો કેસ મારા પર ઓઢાડી રહ્યો છે. બીજા આરોપી નીરજ શર્માનું કહેવું છે કે સુધીર દુષ્કર્મનો આરોપી છે. આ કેસમાં હું સાક્ષી છું. તે દબાણ લાવવા માટે મારા અને છોકરી વિશે ખોટી માહિતી આપીને પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે.