યુવાનો જાેબ સિકર નહીં પણ જાેબ ગિવર બન્યા: રૂપાણી
ગાંધીનગર, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહ પ્રસંગે પદવીપ્રાપ્તકર્તા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓ દીક્ષાંતે મેળવેલી પદવીની સાર્થકતા માનવીય અભિગમ સાથે રાષ્ટ્રવિકાસના પુરુષાર્થ દ્વારા સિદ્ધ કરે. તેમણે જણાવ્યુ હતુ કે, ટેકનોલોજીના વર્તમાન સમયમાં સમાજને કૌશલ્યવાન યુવાધનની પ્રતિક્ષા છે ત્યારે ભારતીય પ્રાચીન જ્ઞાન પરંપરાના સંસ્કાર સાથે આધુનિક શિક્ષણની સજ્જતાના સમન્વયથી વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ સફળતા હાંસલ કરી શકશે.
રાજ્યપાલએ ગુજરાતના સાવર્ત્રિક વિકાસની નોંધ લઇ જણાવ્યુ હતુ કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવિરત માર્ગદર્શન અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય આજે દેશભરમાં વિકાસનું આગવું મોડેલ બની રહ્યુ છે ત્યારે કૌશલ્યવાન યુવાધન ગુજરાતની આ વિકાસયાત્રામાં નવું જાેમ પૂરું પાડશે. દયા, કરૂણા, સહિષ્ણુતા અને ભલાઇના માર્ગ પર ચાલીને રાષ્ટ્રકલ્યાણના લક્ષને સિદ્ધ કરવા રાજ્યપાલએ યુવાનોને અનુરોધ કર્યો હતો. તેમણે યુવાનોને આજીવન વિદ્યાર્થી બની રહેવા અને જ્ઞાનસંપદાને સતત સમૃદ્ધ બનાવવા આહ્વાન પણ કર્યુ હતુ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના સામાન્ય પરિવારના સંતાનોને-વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જીટીયુની સ્થાપના કરી હતી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ૧૦મા દિક્ષાંત સમારોહમાં મુખ્યમંત્રી જણાવ્યું કે, એક સમયે ગુજરાતના યુવાનને મેડીકલ અને એન્જિનિયરીંગના અભ્યાસ માટે ભારે ભરખમ ડોનેશન ભરી રાજ્યની બહાર ભણવા જવું પડતું હતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે, સમગ્ર ભારતમાં ગુજરાત એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે. ગુજરાતની સ્થાપના બાદ ૩૫ વર્ષો સુધી રાજ્યમાં માત્ર ૭ યુનિવર્સિટી હતી જ્યારે આજે વધીને ૭૭ સેકટર સ્પેસિફીક યુનિવર્સિટીઓ થઇ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, પાછલા બે-અઢી દાયકામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં ટેકનિકલ એજ્યુકેશન ક્ષેત્રને વધુ મહત્વ આપ્યું છે. ગુજરાતમાં ૧૯૯૫માં માત્ર ૨૦ ડિગ્રી-એન્જિનિયરિંગ કોલેજાે હતી જે આજે વધીને ૨૪૨ થઈ છે. ૨૨૯૫ ડિગ્રી-એન્જિનિયરિંગની બેઠકો હતી જે વધીને આજે ૮૧૫૮૬ થઈ છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ૧૯૯૫માં માત્ર ૯ ડિપ્લોમા-એન્જિનિયરિંગ કોલેજાે હતી જે આજે વધીને ૧૬૪ થઈ છે.SSS