ચીન તેમજ WHO કોરોનાને સમયસર નિયંત્રિત કરી શક્યા હોત

જિનેવા: ચીન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જાે ઇચ્છે તો કોરોના વાયરસને સમયસર નિયંત્રિત કરી શક્યા હોત. આ સ્વતંત્ર પેનલ ફોર પેન્ડેમિક પ્રિપેયર્ડનેસ એન્ડ રિસ્પોન્સનું કહેવું છે. પોતાના બીજા રિપોર્ટમાં આઇપીપીઆરએ જણાવ્યું છે કે શરૂઆતમાં કોરોનાને ફેલાતા અટકાવવા કેટલાક પગલા લઈ શકાયા હોત. તપાસ ટીમના જણાવ્યા મુજબ, આ આઉટબ્રેકને મોટાભાગે છુપાવવામાં આવ્યો,
જેના કારણે વાયરસ આખી દુનિયામાં ફેલાયો છે. આ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે, દુનિયામાં કોરોના મહામારી ફેલાવવા માટે ચીન એકલું દોષી નથી, ડબ્લ્યુએચઓએ પણ તેમાં આડકતરી રીતે ભાગીદારી કરી છે. તપાસકર્તાઓનું કહેવું છે કે, મહામારીને છુપાવવાના કારણે આજે તે દુનિયાભરમાં ફેલાઈ છે.
પ્રારંભિક કેસની સ્ટડીથી સંકેત મળ્યા છે કે, તેને રોકવા માટે પહેલાથી પગલા લેવામાં આવી શક્યાં હોત. રિપોર્ટ અનુસાર, પેનલને જાણવા મળ્યું છે કે, ચીનના સ્થાનિક અને રાષ્ટ્રિય સ્વાસ્થ્ય પ્રશાસન જાન્યુઆરીમાં જ ઝડપથી અને ગંભીરતાથી પગલા લઇ શકતા હતા.
તપાસ પેનલે મહામારીની શરૂઆતમાં ડબ્લ્યુએચઓની લાલીયાવાડીની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે, ડબ્લ્યુએચઓએ ૨૨ જાન્યુઆરી સુધીમાં તાત્કાલીક બેઠક યોજી નહીં અને આઉટબ્રેકને ઇમરજન્સી જાહેર કરવામાં વધુ સમય લીધો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ડબ્લ્યુએચઓએ આ કેમ કર્યું તે સ્પષ્ટ નથી થયું. આ તપાસ રિપોર્ટ બાદ ચીન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન બંને કઠેડામાં ઘેરાયા છે. ચીન પર જ્યાં કોરોના ફેલાવવાનો આરોપ છે, ત્યારે ડબ્લ્યુએચઓ પર ચીનની કામગીરીને આવરી લેવાનો આરોપ છે.
જાે કે, આ વાત અલગ છે કે, બંને જ આ આરોપોને નકારી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાએ કોરોનાને લઇને ચીન અને ડબ્લ્યુએરઓ પ્રતિ સખ્તાઈ વર્તી હતી. અમેરિકાએ ડબ્લ્યુએચઓને ચીનની કઠપુતળી ગણાવતા તેમની સાથેના તમામ સંબંધો પણ તોડી દીધા હતા.
ત્યારે અમેરિકાના ગૃહ વિભાગે એક રિપોર્ટ ઈશ્યૂ કરી વુહાનની વાઇરોલોજી ઇન્સ્ટિટ્યૂટ પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા. રિપોર્ટમાં, અમેરિકાએ કહ્યું હતું કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીએ કોવિડ-૧૯ મહામારીની ઉત્પત્તિ કેવી રીતે કરી અને તેની પારદર્શિતાની સાથે તપાસને અટકાવી અને જૂઠાણું ફેલાવવામાં પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી રહ્યા છે.