Western Times News

Gujarati News

ભારત કોરોના રસીના દસ મિલિયન ડૉઝ દાન કરશે, ભુતાન સહિતના પાડોશી દેશોને મફત આપશે

Files Photo

નવી દિલ્હી, કોરોના મહામારી જેવી આપત્તિના સમયમાં મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતા પાડોશી દેશોને ભારત કોરોનાની રસી મફત આપશે એવી જાણકારી મળી હતી. આ રીતે ભારત પાડોશી ધર્મ બજાવશે.

લેટેસ્ટ માહિતી મુજબ ભારત ખાસ કરીને અફઘાનિસ્તાન, ભુતાન, નેપાળ, બાંગ્લા દેશ, શ્રીલંકા, માલદીવ્સ અને મોરેશિયસને  કોરોનાની રસીના 10 મિલિયન એટલે કે એક કરોડ ડૉઝ ફ્રીમાં આપશે. નવી દિલ્હીએ અગાઉ પણ કેટલાક અવસરે કહ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન ભારત એેના પાડોશી મિત્ર દેશોને યથાશક્તિ સહાય કરશે.

લાઇવ મિન્ટના એક અહેવાલ મુજબ ભારત સરકાર મિત્ર હોય એવા પાડોશી દેશોને કોરોનાની રસીના દસ મિલિયન જેટલા ડૉઝ  નિઃશુલ્ક પૂરા પાડશે. હાલ આપણે ત્યાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન કાર્યકરોને રસી અપાઇ રહી છે. એ જ રીતે લદ્દાખમાં ફરજ બજાવી રહેલા ભારતીય લશ્કરના જવાનોને રસી અપાઇ રહી હતી. એમાંથી થોડી નવરાશ મળે કે તરત ભારત મિત્ર પાડોશી દેશોને કોરોનાની રસીના 10 મિલિયન ડૉઝ રવાના કરશે.

રસપ્રદ વાત એ છે કે ભારતીય નાગરિકોને કોરોનાની રસી મફત મળશે કે કેમ એની સ્પષ્ટતા હજુ કેન્દ્ર સરકારે કરી નથી. અત્યારે એવા અહેવાલો પ્રગટ થઇ રહ્યા હતા કે કોરોનાની રસીના ડૉઝ દીઠ રૂપિયા બસોનો ખર્ચ આવશે. આ ખર્ચ કોણે ભોગવવાનો છે એની સ્પષ્ટતા પણ કેન્દ્ર કે રાજ્ય સરકારોએ કરી નથી.

એક માત્ર પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એવી જાહેરાત કરી હતી કે મારા રાજ્યના લોકોને કોરોનાની રસી મફત મળશે. અન્ય કોઇ રાજ્યે કે કેન્દ્ર સરકારે આવી કોઇ સ્પષ્ટતા હજુ કરી નથી. અત્યાર સુધીમાં આશરે સાડા ત્રણ લાખ હેલ્થ વર્કર્સને અને ફ્રન્ટલાઇન કાર્યકરોને રસી અપાઇ ચૂકી હતી.

બીજી બાજુ મિત્ર હોય એવા પાડોશી દેશોને એક કરોડ ડૉઝ મફત આપવાની વિચારણા કેન્દ્ર સરકાર કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.