Western Times News

Gujarati News

માર્ચ 2021થી વડાપ્રધાનની વિદેશ યાત્રાઓ શરૂ થશે

નવી દિલ્હી, વડાપ્રધાનની વિદેશ યાત્રા ભારતની વિદેશ નીતિ માટે ઘણી મહત્વની છે. આજે પીએમની વિદેશ યાત્રાના પરિણામે દુનિયાભરમાં ભારતનો દબદબો વધ્યો છે. જોકે, કોરોનાની મહામારીના કારણે વડાપ્રધાન છેલ્લા દોઢ વર્ષથી એક પણ વિદેશ યાત્રા પર ગયા નથી, પરંતુ પીએમ મોદીની વિદેશ યાત્રા હવે ફરી શરુ થવા જઇ રહી છે.

એક અહેવાલ અનુસાર માર્ચ 2021થી વડાપ્રધાનની વિદેશ યાત્રાઓ શરૂ થવા જઇ રહી છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર યોજાનારા કાર્યક્રમ પણ સામેલ છે. વડાપ્રધાન નવા વર્ષમાં વિદેશ યાત્રાની શરુઆત બાંગ્લાદેશથી કરી શકે છે.

પીએમ મોદી માર્ચ 2020માં ઢાકામાં યોજાનારા એક કાર્યક્રમમાં હાજર રહેવાના હતા પરંતુ કોરોનાના કારણે તેઓ હાજર રહીં શક્યા ન હતા. ત્યાર બાદ ડિસેમ્બર 2020માં બંને દેશના વડપ્રધાન વચ્ચે વર્ચુઅલ બેઠક યોજાઇ હતી. ત્યારે પીએમ શેખ હસીનાએ મોદીને માર્ચ 2021માં બાંગ્લાદેશની આઝાદીની 50મી વર્ષગાંઠના આયોજનમાં શામેલ થવા આમંત્રણ આપ્યું હતું.

બાંગ્લાદેશની યાત્રા બાદ વડાપ્રધાનના પોર્ટુગલની પ્રવાસની તૈયારી શરુ થઇ રહીં છે. પોર્ટુગલ પ્રવાસ યુરોપિયન સંઘની સાથે ભારતના સંબંધની દ્રષ્ટીએ મહત્વનો છે. ગત વર્ષે પોર્ટુગલનો પ્રવાસ ન યોજાતા આ વર્ષે જઇ શકે છે. ગત વર્ષે ભારત-યુરોપીય સંઘની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે મે 2020માં પીએમ મોદી ત્યાં જવાના હતા.

આ ઉપરાંત યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોનસને મોદીને યુ.કે.ના કોર્નવોલમાં યોજાનારા G-7 સંમેલનમાં ગેસ્ટ તરીકે હાજર રહેવા નિમંત્રણ આપ્યું છે. મોદીએ આ નિમંત્રણનો સ્વીકાર કર્યો છે. મોદીનો છેલ્લો વિદેશ પ્રવાસ 2019ના નવેમ્બરમાં બ્રાઝિલનો હતો. એ પછી કોરોનાના કારણે સ્થિતી બગડતાં 2020માં મોદી માટે વિદેશ પ્રવાસના મુદ્દે આખું વરસ કોરું રહ્યું હતું. મોદીએ ગયા વરસે એક પણ દેશનો પ્રવાસ કર્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.