Western Times News

Gujarati News

ગાઢ ધૂમ્મસના પગલે અકસ્માતમાં 13નાં મોત, પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં વાહનો ટકરાયાં

કોલકાતા, પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં ગાઢ ધૂમ્મસના પગલે મંગળવારે રાત્રે લોખંડના બોલ્ડર ભરેલી ટ્રક એક કરતાં વધુ વાહનો સાથે ટકરાતાં ઓછામાં ઓછા 13 જણના મૃત્યુ થયાં હતાં અને બીજા 18-19 જણને ઇજા થઇ હતી. એમાંના કેટલાકની ઇજા ગંભીર હોવાનું કહેવાય છે.

ઇજાગ્રસ્તોને જલપાઇગુડીની એક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જલપાઇગુડીના એએસપી ડૉક્ટર સુમંત રૉયના કહેવા મુજબ મંગળવારે રાત્રે નવને પાંચે બોલ્ડર ભરેલી એક ટ્રક માયાનાલી પાસેથી પસાર થઇ રહી હતી.

ટ્રક મૈના ગુડી તરફ જઇ રહી હતી. એ સમયે સામેથી ખોટી દિશામાં એક તાતા મેજિક અને બીજાં વાહન આવી રહ્યા હતાં. ગાઢ ધૂમ્મસના પગલે પહેલાં ટ્રક તાતા મેજિક સાથે ટકરાઇ હતી. ત્યારબાદ ટ્રકમાં રહેલાં બોલ્ડર્સ પડખેથી પસાર થઇ રહેલાં બીજાં વાહનો પર પડ્યા હતા અને અકસ્માતની ગંભીરતા વધી ગઇ હતી.

આમ થવાથી 13 વ્યક્તિનાં મોત થયાં હતાં અને બીજા અઢાર ઓગણીસ જણને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને પહેલાં ધૂપગુડી નજીકની હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યારબાદ જલપાઇગુડીની મોટી હૉસ્પિટલમાં શીફ્ટ કરાયા  હતા.

આ અકસ્માત નજરે જોનારા લોકોના કહેવા મુજબ બોલ્ડર ભરેલી ટ્રક અન્ય એક ટ્રકને ઓવરટેક કરી રહી હતી એ દરમિયાન, રોંગ સાઇડથી આવેલાં વાહનો સાથે આ ટ્રક અથડાઇ પડી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.