Western Times News

Gujarati News

ટ્રેક્ટર રેલી મુદ્દે સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, કેન્દ્ર સરકારને અરજી પાછી ખેંચવાનું કહ્યું

નવી દિલ્હી, દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલી કાઢવાના મુદ્દે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે આજે પણ ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ બાબતે દિલ્હી પોલીસે નિર્ણય કરવાનો છે, સુપ્રીમ કોર્ટે નહીં.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવી સૂચના આપી હતી કે ટ્રેક્ટર મુદ્દે કરેલી અરજી પાછી ખેંચી લો. છેલ્લા 56 દિવસથી દિલ્હીના સીમાડે અડ્ડો જમાવી બેઠેલા હજારો કહેવાતા ખેડૂતોએ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન પરેડ યોજાઇ રહી હોય ત્યારેજ ટ્રેક્ટર રેલી કાઢવાની ધમકી ઉચ્ચારતાં દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકાર બંને ચોંકી ઊઠ્યા હતા. આ બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ આ ટ્રેક્ટર રેલી બાબતે કોઇ આદેશ આપે.

આજે સુપ્રીમ કોર્ટે સતત બીજીવાર આ મુદ્દે કંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ વિનીત શરણની બનેલી બેંચે કહ્યું હતું કે અમે ટ્રેક્ટર રેલી અંગે કોઇ આદેશ આપી શકીએ એમ નથી. તમને અરજી પાછી ખેંચવી હોય તો અમે પરવાનગી આપીએ છીએ. આમ હવે આ મુદ્દો ફરી કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેનો થઇ ગયો છે. ખેડૂતો પોતાની જિદ પર અડગ છે અને સરકાર પોતાની જિદ પર મક્કમ છે. ખેડૂતોના આંદોલન દરમિયાન ત્રીસથી વધુ ખેડૂતો જાન ગુમાવી ચૂક્યા છે. દિલ્હીમાં હાડકાં થીજી જાય એવી કાતિલ ઠંડીમાં પણ ખેડૂતો જ્યાં છે ત્યાં અડગ બેઠાં છે.

ખેડૂતો માટે પ્લાસ્ટિકના તંબુ, હરતા ફરતાં શૌચાલયો, બંને સમય જમાડતું લંગર, ચા પાણી અને જીવનજરૂરિયાતની ચીજો મફત આપતો કિસાન મોલ હોવાથી ખેડૂતોને કોઇ તકલીફ નથી. એ લોકોએ તો એવી ચેતવણી આપી હતી કે અમે 2024ની સંસદીય ચૂંટણી સુધી અહીં બેસી રહેવા તૈયાર છીએ. અમારી એકજ માગણી છે કે સરકારે નવા કૃષિ કાયદા પાછા ખેંચવા. અમને સુપ્રીમ કોર્ટે રચેલી સમિતિ પર ભરોસો નથી. કાયદા સુપ્રીમ કોર્ટે નથી ઘડ્યા, સરકારે ઘડ્યા છે એટલે સરકાર કાયદા પાછા ખેંચે તો અમે બીજી મિનિટે અહીંથી રવાના થઇ જઇશું.

સરકારની મનોદશા સમજી શકાય એવી છે. સરકાર માને છે કે એકવાર કોઇ કાયદો પાછો ખેંચવામાં આવે તો બીજીવાર બીજા કોઇ કાયદા પાછાં ખેંચવા માટે આવું દબાણ થઇ શકે છે. 2020ના ફેબ્રુઆરીમાં નાગરિકતા અંગેના નવા કાયદા અને નાગરિકતાના રજિસ્ટર અંગે આવુંજ આંદોલન થયેલું જે હિંસક નીવડ્યું હતું. અત્યારે કેન્દ્ર સરકાર માને છે કે કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવે તો આવતી કાલે નાગરિકતા અંગેનો કાયદો રદ કરાવવા માટે આવું આંદોલન થઇ શકે છે.

એક જૂથ દ્વારા એવો પણ આક્ષેપ થયો હતો કે કહેવાતા ખેડૂતોના નામે ખરેખર તો ખેડૂતોના પસીનાને વટાવી ખાતા દલાલો અને ખાલિસ્તાની આતંકવાદ જેવાં પરિબળો આ આંદોલનને કબજે કરી બેઠા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.