Western Times News

Gujarati News

આપણે ફરી એકવાર શીખ્યા કે લોકતંત્ર અત્યંત કીમતી છે: બાઇડન

નવીદિલ્હી, અમેરિકાને પોતાના ૪૬મા અને સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ મળ્યા. ૭૮ વર્ષના જાે બાઇડને કેપિટલ હિલ પર ૧૨૮ વર્ષ જૂના બાઈબલ પર હાથ રાખીને રાષ્ટ્રપતિપદના ગઇકાલે સોગંદ શપથ લીધા છે એ સમયે તેમના પત્ની જિલ બાઇડને બાઈબલ હાથમાં રાખ્યું હતું. બાઇડનની ઈનોગરલ સ્પીચમાં નિશાના પર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ રહ્યા. બાઇડને કટાક્ષ કર્યો કે જે રાષ્ટ્રપતિ અહીં નથી, તેમનો પણ આભાર.

૭ જાન્યુઆરીએ કેપિટલ હિલમાં થયેલી હિંસા અંગે બાઇડને કહ્યું, ‘આજે આપણે જ્યાં ઊભા છીએ, ત્યાં થોડા દિવસ પહેલાં ભીડ હતી. એ લોકોએ વિચાર્યુ હતું કે તેઓ હિંસાથી જનતાની ઈચ્છાને બદલી નાખશે. લોકતંત્રને રોકી દેશે, આપણને આ પવિત્ર જગ્યાએથી હટાવી દેશે. એવું ન થયું. એવું નહીં થાય. ન આજે, ન કાલે અને ક્યારેય નહીં.બાઇડને ઈનોગરલ સ્પીચમાં કહ્યું, ‘આપણે ફરી એકવાર શીખ્યા કે લોકતંત્ર અત્યંત કીમતી છે અને નાજુક પણ છે. લોકતંત્ર અહીં યથાવત્‌ છે. આજે કોઈ વ્યક્તિની જીત નહીં પણ એક કારણની જીતનો દિવસ છે. આ જ લોકતંત્ર છે. જાે અસંમતિ છે તો પણ લોકતંત્ર જરૂરી છે. આ જ અમેરિકા છે. આ આપણા દેશની સૌથી મોટી તાકાત છે.’

બાઇડન બોલ્યા, ‘સમગ્ર અમેરિકાને એક રાખવાની મારી કોશિશ હશે. હું દરેક અમેરિકનને આ હેતુ સાથે જાેડાવાની અપીલ કરું છું. ગુસ્સો, નફરત, કટ્ટરવાદ, હિંસા, નિરાશાને આપણે એક થઈને હરાવી શકીએ છીએ. આપણે એ વાયરસથી પણ બચી શકીએ છીએ. આપણે ન્યાયને યથાવત્‌ રાખી શકીએ છીએ. શક્ય છે કે જ્યારે હું યુનિટીની વાત કરી રહ્યો છું તો આ કેટલાક લોકોને મૂર્ખતા લાગે, પરંતુ અમેરિકા સતત ભાઈ-ભત્રીજાવાદ, વંશવાદનો સામનો કરી રહ્યું છે. જીત હંમેશા નક્કી હોતી નથી. આપણે ૯/૧૧ જાેયું. લાંબો સંઘર્ષ જાેયો.’

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, હું બંધારણની રક્ષા કરીશ. લોકતંત્રની રક્ષા કરીશ. અમેરિકાની સુરક્ષા કરીશ. આપણે અમેરિકનની નવી કહાની લખવાની છે, જે ડરથી નહીં, આશાઓથી ભરેલી હોય. હું વચન આપું છું કે હું દરેક અમેરિકનનો રાષ્ટ્રપતિ રહીશ.’

બાઇડને અમેરિકન નાગરિકોનાં મનમાં રહેલા ડરનો ઉલ્લેખ કર્યો. કહ્યું- હું જાણું છું કે કેટલીક તાકાતોએ આપણને વિભાજિત કર્યા છે અને તેમના મૂળ ઊંડા અને વાસ્તવિક છે. પણ, હું એ પણ જાણું છું કે આ તાકાતો નવી નથી. અમેરિકન ઈતિહાસમાં તેની સાથે સંઘર્ષના ઉદાહરણો મળે છે. વંશવાદ અને ડરના મામલા અગાઉ જાેવા મળ્યા છે. હું માનું છું કે કેટલાક અમેરિકન આજે પણ આ અનુભવે છે. આજે આપણે કેપિટલ હિલના ગુંબજ નીચે ઊભા છીએ. મેં અગાઉ પણ કહ્યું છે કે આ સિવિલ વોર દરમિયાન બનીને તૈયાર થયું છે. આપણે એ મુશ્કેલ સ્થિતિમાં પણ કદમ પાછા હટાવ્યા નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.