ભારતમાં છ દિવસમાં 10.5 લોકોએ લીધી રસી, કોરોના ટેસ્ટનો આંકડો 19 કરોડને પાર
નવી દિલ્હી: ભારતે વૈશ્વિક મહામારી કોરોના સામે સહિયારી અને મક્કમતાપૂર્ણ જંગમાં નોંધપાત્ર સીમાચિહ્ન પાર કર્યું છે. 22 જાન્યુઆરી, 2021ના રોજ સવારે 7 વાગ્યા સુધીમાં દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ કવાયત અંતર્ગત અંદાજે 10.5 લાખ (10,43,534) લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 2,37,050 લોકોને 4,049 સત્રોમાં રસી આપવામાં આવી હતી. આજદિન સુધીમાં કુલ 18,167 સત્રો યોજવામાં આવ્યા છે.
પરીક્ષણ મોરચે પણ ભારતમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. પરીક્ષણોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવેલા વિસ્તરણના પરિણામે ભારતમાં વૈશ્વિક મહામારી સામેની જંગને ખૂબ જ વેગ મળ્યો છે. ભારતમાં કુલ પરીક્ષણોનો આંકડો 19 કરોડ કરતાં વધુ થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 8,00,242 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેના કારણે ભારતમાં કુલ પરીક્ષણોની સંખ્યા વધીને 19,01,48,024 થઇ ગઇ છે.