Western Times News

Gujarati News

PM મોદી આવતીકાલે આસામ અને પશ્ચિમ બંગાળની લેશે મુલાકાત

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિના વર્ષની ઉજવણી કરવા 23 જાન્યુઆરી, 2021ના રોજ ‘પરાક્રમ દિવસ’ની ઉજવણીમાં સંબોધન કરવા કોલકાતાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 1.06 લાખ જમીનના પટ્ટા/ફાળવણીના પ્રમાણપત્રોનું વિતરણ કરવા આસામમાં શિવસાગરમાં જેરેન્ગા પઠારની મુલાકાત પણ લેશે.

પ્રધાનમંત્રી કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલમાં ‘પરાક્રમ દિવસ’ની ઉજવણીનાં ઉદ્ઘાટન સમારંભની અધ્યક્ષતા કરશે. નેતાજીના અદમ્ય જુસ્સા અને દેશ માટે નિઃસ્વાર્થ સેવાને સન્માનિત કરવા અને એને યાદ કરવા ભારત સરકારે દર વર્ષે 23 જાન્યુઆરીને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે, જેથી દેશના લોકોને, ખાસ કરીને યુવા પેઢીને નેતાજીના આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરવા પ્રેરિત કરી શકાશે.

વળી આ ઉજવણીનો ઉદ્દેશ દેશવાસીઓને નેતાજીએ પડકારનો જે રીતે દ્રઢતાપૂર્વક કામ કરીને સામનો કર્યો અને રાષ્ટ્રવાદની ભાવના દેશવાસીઓમાં જગાવી એમાંથી પ્રેરણા લેવા પ્રેરિત કરવાનો પણ છે.

આ પ્રસંગે નેતાજી પર કાયમી પ્રદર્શન અને પ્રોજેક્શન મેપિંગ શૉનું ઉદ્ઘાટન થશે. પ્રધાનમંત્રી સ્મૃતિ સિક્કા અને પોસ્ટ ટિકિટને પણ જાહેર કરશે. વળી નેતાજીના જીવનકવન પર આધારિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ “આમ્રા નૂતોન જૂબોનેરી દૂત”નું આયોજન પણ થશે.

આ કાર્યક્રમ અગાઉ પ્રધાનમંત્રી કોલકાતાનાં રાષ્ટ્રીય પુસ્તકાલયની મુલાકાત લેશે, જ્યાં “રિ-વિઝિટિંગ ધ લીગસી ઓફ નેતાજી સુભાષચંદ્ર ઇન ધ 21સ્ટ સેન્ચુરી” આંતરરાષ્ટ્રીય પરિષદ અને આર્ટિસ્ટ્સ કેમ્પનું આયોજન થયું છે. પ્રધાનમંત્રી કલાકારો અને પરિષદના સહભાગીઓ સાથે સંવાદ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.