Western Times News

Gujarati News

આમોદમાં રસ્તા પર ખોદેલા ખાડામાં બાઈક ચાલક ખાબક્યો

પ્રતિકાત્મક

પાલિકાના પાપે પ્રજાજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરનાં મુખ્ય માર્ગ પર પાલિકા દ્વારા છેલ્લા ૧૦ દિવસથી ખોડેલ ખાડો પૂરવામાં નહિ આવતા સોમવારની રાત્રીના સમયે એક બાઈક ચાલક ખાડામાં ખાબક્યો હતો.જોકે સદ્દનસીબે મોટી દુઘર્ટના સર્જાતા અટકી હતી.ઘટનાના પગલે પાલિકાના પાપે પ્રજાજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આમોદ નગરપાલિકાની કામગીરીમાં વિવાદ ન સર્જાય તો નવાઈ થાય તેમ કહેવત પડી હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.આમોદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વધુ એક કામગીરીમાં બેદરકારી છતી થઈ છે.જેના કારણે વાહન ચાલકો તેનો ભોગ બની રહ્યા છે.આમોદ-જંબુસર હાઈવે ઉપર આવેલ બચ્ચો કા ઘરની સામે ડ્રેનેજની કામગીરી માટે નગરપાલિકા દ્વારા છેલ્લા ૧૦ દિવસ ઉપરાંતથી ખાડો ખોદવામાં આવ્યો છે.

અંદાજીત દસ ફૂટ ઊંડા ખાડાને પૂરવામાં નગરપાલિકાએ ધીરજ દાખવતા સોમવારની રાત્રીના સમયે એક બાઈક ચાલક ખાડામાં ખાબક્યો હતો. જોકે સદ્દનસીબે બાઈક ચાલક બચી જતાં મોટી દુઘર્ટના ટળી હતી.અવાર નવાર વિવાદોનું કારણ બનતી નગરપાલિકાની કામગીરીથી પ્રજાજનોને સુવિધા નહિ પરંતુ દુવિધા ઉભી થઈ રહી હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે.

લખીગામનો યુવાન પોતાની સાસરીમાં જતી વેળા અચાનક ખાડામાં પડતાં સ્થાનિકોએ તેને બચાવ્યો હતો.જો કે નગરપાલિકાના અધૂરા કામથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.નોંધનીય છે કે નજીકમાં જ સ્કૂલો તેમજ બચ્ચો કા ઘર અને મસ્જીદે રઝામાં પઢતા અને ભણતા બાળકો અહીથી પસાર થતાં હોય છે ત્યારે કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ન બને તે પહેલાં અધૂરા કાર્યને પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

માજી નગરપાલિકા પ્રમુખ સાજીદ રાણાએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકાની વિકાસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા.વહેલી તકે કામગીરી કરી માનવસર્જિત દુર્ઘટના અટકાવવામાં આવે અને પશુ જાનવરોને પણ બચાવવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.