કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના કેસમાં બે બિલ્ડરો સામે ગુનો દાખલ
સુરત પોલીસે વસંત અને ચુનીભાઈ ગજેરા સામે સુપ્રીમના આદેશ બાદ ગુનો દાખલ કર્યો
સુરત, સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર વસંત ગજેરા સામે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પાલમાં આવેલી કરોડો રૂપિયાની સોનાની લગડી જેવી જમીન પચાવી પાડવા માટે આ ગજેરાબંધુઓએે પાંચ લોકો સાથે મળીને કારસો રચ્યો હતો.
જમીન પચાવી પાડી વસંત ગજેરા સહિત તમામ લોકોએ ભેગા મળી રૂપિયા ૯૦ કરોડમાં જમીન વેચવા પણ કાઢી હતી. જોકે જમીનના મૂળ માલિક આખરે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જતાં તેને ન્યાય મળ્યો છે. હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરાયા બાદ વસંત ગજેરા અને તેના ભાઈ સહિત કુલ પાંચ લોકો સામે એટ્રોસિટી સાથે જમીન પચાવી પાડવાનો ગુનો દાખલ થયો છે.
સુરતના વિવાદી બિલ્ડર વસંત ગજેરા સામે પાલમાં કરોડોની જમીન પચાવી પાડવાનો ગુનો નોંધાયો છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે પાલ પોલીસે આળસ ખંખેરવી પડી છે. એસીપી આઈ.એન. પરમારે કહ્યું હતું કે પાલ પોલીસે એટ્રોસિટી કલમ મુજબ અને જમીન પચાવી પાડવા સંદર્ભનો ગુનો નોંધ્યો છે. મુળ માલિકની ગેરહાજરીમાં સરકારી અધિકારીઓના મેળાપીપણામાં ત્રણ વીઘા જમીનના સાટાખતના પાના બદલી નાખ્યા હતા અને જમીનનો દસ્તાવેજ પણ કરાવી દીધો હતો.
એટલું જ નહી ત્યારબાદ ગજેરાબંધુઓએ રૂ.૯૦ કરોડમાં જમીન વેચવા કાઢી હતી. પાલ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની સોનાની લગડી જેવી જમીન પચાવી પાડવા માટે કાવતરુ કર્યું હતું. સ્થાનિક લેવલે જમીન માલિકોને કોઈ કાનૂની દાદ નહી મળતા તેઓ સુપ્રીમ કોર્ટમાં પહોચ્યા હતા. સુપ્રીમ કોર્ટે જમીન માલિકો વતી કરાયેલી રજૂઆતો અને પુરાવા ધ્યાને લઈને પાંચેય શખસો સામે ગુનો દાખલ કરવા ફરમાન કર્યું હતું.
અગાઉ પણ વસંત ગજેરા અને ચુની ગજેરા જમીનના પ્રકરણોમાં ગોલમાલ કરવાના મુદ્દે ભેરવાયા હતા. પોલીસે ધરપકડ પણ કરી હતી. સરકારે ફાળવેલી જમીનના નિયમોનું પાલન નહી કરવાના કારણે પણ તેમણે કરોડો રૂપિયાના દં ભરવા જેવા કેસનો સામનો કરવો પડયો હતો.