રાજસ્થાનની દંપતીએ 26.52 લાખની ડેરી પ્રોડક્ટ ખરીદીને પેમેન્ટ ન ચૂકવતાં ફરિયાદ

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, શહેરના કઠવાડા રોડ પર આવેલી ડેરી પરોડક્ટની ફેક્ટરી ધરાવતા માલિક પાસેથી છેલ્લા દસ વર્ષથી માલ ખરીદનાર રાજસ્થાનના વેપારી પત્ની સાથે મળીને ૨૬.૫૨ લાખ રૂપિયાની ચીટિંગ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
ઓઢવ વિસ્તારમાં આવેલા રઘુવિલા એવન્યુમાં રહેતા અને કઠવાડા જીઆઈડીસીમાં રાધે ક્રિષ્ના ડેરી પ્રોડક્ટની ફેક્ટરી ધરાવતા ધર્મેન્દ્રસિંહ રાજપૂતે નિકોલ પોલીસ સ્ટેશનાં નરેન્દ્ર બંધેલ અને તેની પત્ની સંગીતા વિરુદ્ધ ૨૬.૫૨ લાખ રૂપિયાની ચીટિંગની ફરિયાદ કરી છે. ધર્મેન્દ્રસિંહ રાજપૂત છેલ્લાં દસ વર્ષથી નરેન્દ્ર બંધેલને ડેરી પ્રોડક્ટ તેમજ મિલ્કત પાઉડર સપ્લાય કરે છે.
નરેન્દ્ર બંધેલની રાજસ્થાનના રાજાખેરા રોડ પર રેહનાવાલી મિલ્ક પ્રોડક્ટ નામની દુકાન આવેલી છે. નરેન્દ્ર બધેલ અવારનવાર ધર્મેન્દ્રસિંહ પાસેથી ક્રેડિટ ઉપર માલની ખરીદી કરતાં હતા અને બાદમાં સમયસર રૂપિયાની ચૂકવણી કરી દેતા હતા. દસ વર્ષથી સાથે ધંધો કરતાં હોવાથી ધર્મેન્દ્રસિંહને નરેન્દ્ર બધેલ ઉપર વિશ્વાસ આવી ગયો હતો.
એપ્રિલ ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ સુધી નરેન્દ્ર બધેલ અને તેમની પત્નીએ ૨૬.૫૨ લાખ રૂપિયાની ડેરી પ્રોડક્ટનો ઓર્ડર ધર્મેન્દ્રસિંહને આપ્યો હતો. ધર્મેન્દ્રસિંહે તેમના પર વિશ્વાસ કરીને અલગ અલગ વાહનોમાં ડેરી પ્રોડક્ટ મોકલી આપી હતી. થોડા દિવસ પહેલાં નરેન્દ્ર અને તેની પત્ની સંગીતા ધર્મેન્દ્રસિંહની ફેક્ટરી પર આવ્યાં હતાં અને નવા માલનો ઓર્ડર લખાવ્યો હતો.
નરેન્દ્રએ જૂનો તેમજ નવો માલ ખરીદીનો કુલ ૩૦ લાખ રૂપિયાનો ચેક ધર્મેન્દ્રસિંહને આપ્યો હતો. ધર્મેન્દ્રસિંહને માલ મોકલ્યો નહીં પરંતુ ૩૦ લાખ રૂપિયાનો ચેક બેન્કમા જમા કરાવ્યો હતો. જો કે સંગીતાએ સ્ટોપ પેમેન્ટ કરાવી દેતાં ચેક ક્લિયર થયો નહીં.
ધર્મેન્દ્રસિંહ તરત જ નરેન્દ્રને ફોન કર્યાે હતો તો તેણે જણાવ્યું હતું કે, થોડા સમય પછી ચેક બેન્કમાં આપશો તો પેમેન્ટ ક્લિયર થઈ જશે. નરેન્દ્ર તેમજ સંગીતાએ ધર્મેન્દ્રસિંહનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ધર્મેન્દ્રસિંહ સાથે ચીટિંગ થયું હોવાનું સામે આવતાં અંતે તેમણે નિકોલ પોલીસ સ્ટેશનાં ફિરયાદ કરી હતી. નિકોલ પોલીસે આ મામલો નરેન્દ્ર તેમજ સંગીતા વિરુદ્ધ ચિટિંગનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.