પતિ અને પત્ની વચ્ચે દીકરીની કસ્ટડી માટે થયો વિવાદ
અમદાવાદ, અમેરિકામાં રહેતા પતિ અને અમદાવાદમાં રહેતી પત્ની વચ્ચે બાળકની કસ્ટડીને લઈને શરૂ થયેલો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ કેસમાં મહિલા ફેબ્રુઆરી ૨૦૨૩માં પતિ અને દીકરી સાથે ઈન્ડિયા આવી હતી, અને તેને માર્ચમાં પાછા જવાનું હતું, જોકે તેણે અમેરિકા જવાનું માંડી વાળ્યું હતું અને ઓગસ્ટ ૨૦૨૩માં બીજા બાળકને જન્મ આપ્યો હતો.
આ દરમિયાન અમેરિકામાં રહેતા પતિએ મિનેસોટાની કોર્ટમાં ડિવોર્સ સાથે દીકરીની કસ્ટડી મેળવવા માટે કેસ કર્યો હતો. જેની સામે આ યુવકની પત્નીએ દીકરીની કસ્ટડી પોતાની પાસે જ રહે તે માટે અને પતિથી અલગ થવા અમદાવાદની ફેમિલી કોર્ટમાં કેસ કર્યો હતો. ફેમિલી કોર્ટનો કોઈ નિર્ણય આવે તે પહેલા જ મહિલાના અમેરિકા રહેતા પતિએ બાળકી માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ પિટીશન દાખલ કરી હતી.
ત્રણ વર્ષની દીકરી માટે હેબિયર્સ કોર્પસ પિટિશન કરનારા તેના પિતાની દલીલ હતી કે તેણે અમેરિકાની કોર્ટમાં દીકરીની કસ્ટડી માટે કેસ કર્યો છે, અને દીકરી કોની પાસે રહેશે તેનો ફેસલો અમેરિકાની કોર્ટ કરશે.
જોકે, ગુજરાત હાઈકોર્ટની જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ આર.એમ. સરીનની બેન્ચે અમેરિકા રહેતા દીકરીના પિતાની પિટિશન નકારી દઈને તે ઈન્ડિયામાં તેની માતા સાથે જ રહેશે તેમ જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે દીકરીની માતાએ ઓગસ્ટ ૨૦૨૩માં જ બીજા બાળકને જન્મ આપ્યો છે, જેની સાથે તેમની મોટી દીકરી એક ઈમોશનલ બોન્ડિંગ ધરાવે છે.
એટલું જ નહીં, ત્રણ વર્ષની દીકરીની સારસંભાળ તેની માતા જ સૌથી સારી રીતે રાખી શકે તેમ કહેતા કોર્ટે એવું પણ કહ્યું હતું કે આ સ્થિતિમાં પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી કાયદાકીય લડાઈને કારણે બે બાળકોને અલગ કરવા કોઈપણ સ્થિતિમાં યોગ્ય ના કહી શકાય.
અમેરિકાની કોર્ટમાં ચાલી રહેલા કેસ અંગે ગુજરાત હાઈકોર્ટે એવો મત વ્યક્ત કર્યો હતો કે હાલ અમદાવાદમાં રહેતી માતા વિડીયો કોન્ફરન્સ દ્વારા અમેરિકામાં કોર્ટ સમક્ષ હાજર થઈ શકે છે, અને તેના માટે તેને કે પછી બાળકીને અમેરિકા જવાની જરૂર નથી.
કોર્ટે બાળકીના પિતા દ્વારા કરવામાં આવેલી પિટિશનને ફગાવવાની સાથે એમ પણ જણાવ્યું હતું કે બાળકીના પિતા ઈન્ડિયા આવે ત્યારે તેને મળી શકે છે, અને સાથે જ બાળકીને તેના દાદા-દાદી મળી શકે છે અને તેની સાથે રહી પણ શકે છે.
આ કેસમાં ફેબ્રુઆરી ૨૦૨૩માં એક મહિના માટે દીકરી સાથે ઈન્ડિયા આવેલા કપલને માર્ચમાં પાછા જવાનું હતું, પરંતુ મહિલાએ તે વખતે દીકરી સાથે અમદાવાદમાં જ રહેવાનું નક્કી કર્યું હતું.
જોકે, તે વખતે મહિલાના પતિની એવી દલીલ હતી કે ત્રણ વર્ષની દીકરીને સ્કૂલમાં દાખલ કરાવવાની હોવાથી તેને અમેરિકા મોકલવી જરૂરી છે. આ જ ગાળામાં પતિ-પત્ની વચ્ચે વિખવાદ વધતા વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી અને પતિએ અમેરિકાની કોર્ટમાં જ્યારે પત્નીએ અમદાવાદની કોર્ટમાં છૂટાછેડા તેમજ દીકરીની કસ્ટડી માટે કેસ કર્યો હતો. જોકે, આ મામલો હાઈકોર્ટમાં પહોંચતા હાલ કોર્ટે ત્રણ વર્ષની દીકરીને અમેરિકા મોકલવાની તેના પિતાની માગ ફગાવી દીધી હતી.SS1MS