મોહન યાદવની સુરક્ષા વચ્ચે દારૂ પીને પોલીસની વર્દીમાં શખ્સ ઘુસ્યો
ભોપાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. શહેડોલ પહોંચે તે પહેલાં સીએમ મોહન યાદવની સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓ વચ્ચે એક અજાણ્યો વ્યક્તિ દારૂના નશામાં પોલીસની વર્દી પહેરીને તહેનાત થઈ ગયો હતો.
આ યુવક સુરક્ષા યુવાનો વચ્ચે ઘૂસી ગયો હતો અને સૌની સામે પોલીસ કર્મચારી બનીને ઊભો થઇ ગયો હતો. બપોરે ૧૨ વાગ્યે આસપાસ તે ત્યાં આવી ગયો હતો અને એ જ જગ્યાએ ઊભો થઇ ગયો હતો જ્યાંથી સીએમ મોહન યાદવ પોલિટેક્નિક મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં પ્રવેશવાના હતા.
મધ્યપ્રદેશ પોલીસની વર્દી પહેરીને આ યુવક પોલીસની સામે જ ઊભો થઈને સૌને ધમકાવી રહ્યો હતો. તે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જઇ રહેલી છોકરીઓ સાથે પણ ગેરવર્તણૂક કરવા લાગ્યો હતો.
તે નશાની હાલતમાં જ તેમની વચ્ચે પ્રવેશી ગયો હતો. જ્યારે મીડિયાકર્મીઓએ તેને સવાલ કર્યો કે તમે નશાની હાલતમાં છો અને આ રીતે છોકરીઓ સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છો? તો તે ત્યાંથી નાસી જવા લાગ્યો.
અધિકારીઓ અને અન્ય પોલીસકર્મીઓની હાજરીમાં પણ તે ભાગી ગયો પણ કોઈએ તેને પકડ્યો નહીં. ગેટ ઈન્ચાર્જ ટી.આઈ.રઘુવંશીએ કહ્યું કે તે કોણ હતો એ અમને ખબર નથી. મારી ટીમમાં ૯ લોકો છે અને તેમાં તે નથી. હવે આ મામલે તપાસ શરૂ કરાઈ છે. SS2SS