માં દોઢ વર્ષના બાળકને વાઘના મોઢામાંથી બચાવીને લાવી
માં લડી રહી છે મોત સામે જંગ
નવી દિલ્હી,મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાંથી રૂંવાટા ઉભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. બાંધવગઢ ટાઈગર રિઝર્વના રોહનિયા ગામમાં એક માતાએ પોતાના દોઢ વર્ષના બાળકને બચાવવા માટે વાઘ સાથે બાથ ભીડી લીધી હતી. આ દરમિયાન વાઘે મહિલાને પકડી લીધી હતી, પરંતુ તેણે હાર ન માની અને લગભગ ૨૫ મિનિટ સુધી વાઘ સામે લડીને તેણે બાળકને મોતના મુખમાંથી બચાવ્યું હતું.
વાઘના નખ વાગતાં મહિલાની હાલત નાજુક છે. ઉમરિયા આરોગ્ય કેન્દ્રમાંથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહિલાને હાલ જબલપુર મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અર્ચના ચૌધરી રવિવારે સવારે સાડા દસ વાગ્યે દોઢ વર્ષના પુત્ર રાજવીર સાથે કોઈ કામ અર્થે ઘરની બહાર નીકળી હતી.
આ દરમિયાન ઝાડીઓમાં સંતાઈને બેસેલો વાઘ લાકડા અને કાંટાની ફેન્સીંગ ઓળંગીને અંદર આવ્યો અને રાજવીરને પકડી લીધો હતો. આ જાેઈને અર્ચનાએ પૂરી હિંમત સાથે વાઘનો સામનો કર્યો. વાઘે પણ તેને પકડી લીધી અને તેના પર નખથી હુમલો કર્યો હતો. આ દરમિયાન મહિલાએ બૂમો પાડીને ગામલોકોને બોલાવ્યા હતા.
વાઘ સાથેનો તેનો સંઘર્ષ લગભગ ૨૫ મિનિટ સુધી ચાલ્યો હતો. મહિલાની બૂમો સાંભળીને ગ્રામજનો લાકડીઓ લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેથી વાઘ માતા-પુત્રને છોડીને જંગલમાં ભાગી ગયો હતો. જે બાદ લોકોએ માતા-પુત્રને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. અહીં આરોગ્ય વિભાગની ટીમે તેમને પ્રાથમિક સારવાર આપીને પછી મહિલાને જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
અહીં તબીબોએ સારવાર કરતાં જાણવા મળ્યું કે મહિલાની ગરદન તૂટી ગઈ હતી. ત્યારે મહિલાની ગંભીર હાલત જાેઈને જબલપુર રીફર કરવામાં આવી હતી. ગામલોકો જ્યારે મહિલાની બૂમો સાંભળીને જયારે ઘટના સ્થળે પહોંચ્યા તો તેમના હોશ ઉડી ગયા હતા. ગામલોકોએ જાેયું કે વાઘે મહિલા અને બાળક બંનેને જકડી રાખ્યા હતા.
જાેકે, ગામલોકોએ લાકડીઓ બતાવતા વાઘ જંગલ તરફ ભાગી ગયો હતો. ગામલોકોના જણાવ્યા મુજબ, બાંધવગઢ ટાઇગર રીઝર્વનો ભાગ હોવાથી ઘણી વખત જંગલી જાનવરો અહીં આવી જાય છે. વાઘે મહિલાને પકડી લીધી હતી, પરંતુ તેણે હાર ન માની અને લગભગ ૨૫ મિનિટ સુધી વાઘ સામે લડીને તેણે બાળકને મોતના મુખમાંથી બચાવ્યું હતું