Western Times News

Gujarati News

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરાયું

વિદ્યાર્થીઓને વક્તૃત્વ કળા ખીલે, આત્મવિશ્વાસ પ્રગટે, વાતચીત કરવાની કળા વિકસે, માનવીય અભિગમ કેળવાય એ પ્રકારની વિવિધ તાલીમ પૂરી પાડવામાં આવી

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાતા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે તાજેતરમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળનાં કેમ્પસમાં ‘વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર’નું આયોજન કુલપતિ ડો રાજુલ કે.ગજ્જર અને કુલસચિવ ડો. કે. એન. ખેરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ શિબિરનો પ્રારંભ શ્રી.સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સુકાન્તકુમાર સેનાપતીના હસ્તે કરાયો હતો. આ શિબિરમાં જોડાયેલા જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓને  વક્તૃત્વ કળા ખીલે, આત્મવિશ્વાસ પ્રગટે, વાતચીત કરવાની કળા વિકસે, માનવીય અભિગમ કેળવાય એ પ્રકારની વિવિધ  તાલીમ આપવામાં આવી હતી.

આ શિબિરમાં વક્તા અને તજજ્ઞ તરીકે ગુજરાત વિદ્યાપીઠના પ્રો.ડો.જે.કે. સાવલિયા, જૂનાગઢનાં ભાવેશ જાદવ, રાજકોટનાં નેશનલ ટ્રેઈનર ભરત દુદકિયા, ગુજરાત સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ અર્જુનસિંહ રાણા, વેરાવળનાં અગ્રણીઓ વિક્રમ તન્ના, ગિરીશ કારિયા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, રજનીકાંત ચંદારાણા, રમેશ ચોપડકર, બિન્દુ ચંદ્રાણી વગેરેએ સેવાઓ આપી હતી.

આ શિબિરનો પૂર્ણાહુતિ સમારોહ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય ડો.અભિમન્યુ સમ્રાટના અધ્યક્ષપદે યોજાયો હતો. ડો.સમ્રાટે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને વિદ્યાર્થીઓની અપેક્ષાઓ જાણીને તેને પરીપૂર્ણ કરવા મદદરૂપ થવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ડો.અભિમન્યુ સમ્રાટના વરદ્ હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.

સમગ્ર શિબિરનું સંચાલન યુનિવર્સિટીના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સલાહકાર મનોજ મ. શુકલ, શ્રીમતી ચિલકા જૈન અને રમતગમત અધિકારી ડો.આકાશ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.