ફ્રાન્સમાં અટકાવેલું ૨૭૬ મુસાફરો સાથેનું વિમાન મુંબઈ પહોંચ્યું
નવી દિલ્હી, માનવ તસ્કરીની આશંકા હેઠળ ફ્રાન્સમાં ચાર દિવસથી અટકાવેલું વિમાન ૨૭૬ મુસાફરો સાથે મુંબઈ આવી પહોંચ્યું છે. આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે ૨૭૬ મુસાફરોને લઈને આ વિમાન મંગળવારે વહેલી સવારે મુંબઈ પહોંચ્યું હતું.
અધિકારીએ જણાવ્યું કે એરબસ એ૩૪૦ સવારે ૪ વાગ્યે મુંબઈમાં લેન્ડ થયું હતું. આ વિમાને પેરિસના વેટ્રી એરપોર્ટથી સ્થાનિક સમય અનુસાર બપોરે ૨.૩૦ વાગ્યે ઉડાન ભરી હતી.
ફ્રાન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિમાને જ્યારે મુંબઈ માટે ટેકઓફ કર્યું ત્યારે તેમાં ૨૭૬ મુસાફરો સવાર હતા. જાેકે, બે સગીર સહિત ૨૫ લોકોએ આશ્રય માટે અરજી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં પણ આ લોકો ફ્રાન્સમાં જ છે.
ઉલ્લેખનીય છે કે આ વિમાન અટકાવાયું હતું ત્યારે તેમાં કુલ ૩૦૩ મુસાફરો હતા જેમની પૂછપરછ અને તપાસ હેતુસર અટકાયત કરાઈ હતી. માનવ તસ્કરીની આશંકા હેઠળ આ ઘટના બની હતી.
ફ્રાન્સથી મળેલા અહેવાલ અનુસાર અન્ય બે લોકોની અટકાયત કરવામાં આવી હતી અને ન્યાયાધીશ સમક્ષ હાજર થયા હતા.
બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે વિમાન જ્યારે વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું ત્યારે તેમાં ૩૦૩ ભારતીય મુસાફરો હતા, જેમાં ૧૧ સગીરોનો પણ સમાવેશ થતો હતો.
ઉલ્લેખનીય છે કે દુબઈથી નિકારાગુઆ જઈ રહેલી ૩૦૩ મુસાફરોને લઈને જતી ફ્લાઈટને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકામાં અટકાવાઈ હતી. મીડિયા અનુસાર આ ફ્લાઈટમાં કેટલાક મુસાફરો હિન્દી અને કેટલાક તમિલ ભાષી હતા.
જાેકે, એરલાઈનના વકીલે દાણચોરીમાં કોઈ સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો હતો. ફ્રાન્સમાં માનવ તસ્કરી માટે ૨૦ વર્ષ સુધીની સજાની જાેગવાઈ છે. SS2SS