તારાપુર બજાર સમિતી હસ્તગત કરવા ખરાખરીનો જંગ
૧૦ બેઠક માટે ૨૭ ઉમેદવાર
ઘનશ્યામસિંહ ગોહિલ – ખડા, દિગ્વિજયસિંહ ગોહિલ – ખડા, પૃથ્વીરાજસિંહ ગોહિલ – પચેગામ, લધુભા ગોહિલ – તારાપુર, નાથુભા ગોહેલ – ફતેપુરા, મયૂરભાઈ ચૌહાણ – વાળંદાપુરા, નરેન્દ્રકુમાર જાદવ – વલ્લી, પુનમભાઈ જાદવ – વાળંદાપુરા, કનુભાઈ ડાભી – કાનાવાડા, પિયુષકુમાર પટેલ – મોરજ,
રાજેન્દ્રકુમાર પટેલ – જુગારી, સુનિલભાઈ પટેલ – મોરજ, ચંદુભાઈ પરમાર – તારાપુર, ભગવતસિંહ પરમાર – જુગારી, મૂળુભાઈ પરમાર – કસ્બારા, વિજયસિંહ પરમાર – તારાપુર, રણછોડભાઈ ભરવાડ – નભોઈ, મહેશભાઈ મકવાણા – ખાખસર, ઘનશ્યામભાઈ રબારી – ઇસરવાડા, જગદિશભાઈ રબારી – તારાપુર, રઈજીભાઈ રબારી – તારાપુર, મહિપતસિંહ રાઓલ – ઊંટવાડા, હરિસિંહ રાઓલ – ચાંગડા, દિલીપસિંહ વાઘેલા – બુધેજ, ઈમ્તિયાઝઅલી સૈયદ – ભંડેરજ, કુંવરસિંહ સોલંકી – ઇસરવાડા
(પ્રતિનિધિ) પેટલાદ, આણંદ જીલ્લામાં તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીનો વહિવટ હસ્તગત કરવા ભાજપ અને કોગ્રેસ સમર્થિત ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા જ ખેડૂત અને વેપારી વિભાગની બેઠક માટે ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે.
ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૨૭ તથા વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. જેઓની વચ્ચે ભારે રસપ્રદ ચૂંટણી બનવાની શક્યતાઓ છે.
પ્રાપ્ત માહિતી મુજબ તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની વ્યવસ્થાપક મંડળની સમય મર્યાદા પૂર્ણ થઈ હતી. જેથી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામકે સામાન્ય ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જે મુજબ ખેડૂત વિભાગની ૧૦, વેપારી વિભાગની ૪ તથા સહકારી મંડળી વિભાગની ૨ મળી કુલ ૧૬ બેઠકો માટે આ ચૂંટણી હાથ ધરવામાં આવી છે.
જેના ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તા.૫ એપ્રિલ હતી, જ્યારે ઉમેદવારી પત્રો ચકાસણી તા.૬ એપ્રિલના રોજ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજરોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી આખરી યાદી ચૂંટણી અધિકારીએ પ્રસિદ્ધ કરી હતી.
જે મુજબ ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૨૭ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ થનાર છે. જ્યારે વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૬ ઉમેદવારો વચ્ચે મતદાન યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે તારાપુર ખેતીવાડી બજાર સમિતીનો વહિવટ જીલ્લામાં નોંધપાત્ર રીતે વિશેષ હોવાનું જાણવા મળે છે.
ઉપરાંત ગત વિધાનસભા ચૂંટણી બાદ અમૂલની યોજાયેલ ચૂંટણી સમયે તારાપુરના કોંગ્રેસી પૂર્વ ધારાસભ્યના ભાઈ ચંદુભાઈ માધાભાઇ પરમારે ભાજપ સાથે હાથ મિલાવતા રાજકીય સમીકરણો ઘણાં બદલાયેલા જાેવા મળે છે. હવે આ વખતે તારાપુર બજાર સમિતીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની બેઠક માટે ચંદુભાઈ માધાભાઇ પરમાર
તથા તેઓના ભત્રીજા વિજયસિંહ પુનમભાઈ પરમારે ઉમેદવારી નોંધાવી છે. જેને કારણે આ ચૂંટણી ભારે રસપ્રદ તબક્કામાં આવી ગઈ છે. બીજી તરફ ભાજપના સમર્થિત દિગ્ગજ નેતાઓની પણ હોડ લાગી છે. જાેવાનું એ રહેશે કે આગામી સમયમાં તારાપુર બજાર સમિતીની બાગડોર ભાજપ સમર્થિત ઉમેદવાર પાસે રહે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ પાસે રહે છે ?
આમ તો આ ચૂંટણીમાં સત્તા માટે ભાજપનું પલડું હાલ ભારે લાગે છે, પરંતુ પરિણામ ભાજપ કે કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોની તરફેણમાં આવે છે એ તો તા.૧૮ એપ્રિલના રોજ જ ખબર પડી શકે.