30 લાખના સ્માર્ટ ફોનની ચોરી કરનાર સ્માર્ટ ચોર આખરે ઝડપાયો
સુરત, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી મોબાઈલ શોપમાંથી રૂપિયા ૨૯ લાખની કિંમતના મોબાઈલ અને રોકડા રૂપિયા ૧ લાખ મળી કુલ ૩૦ લાખની મત્તા ચોરનાર બેમાંથી એક ચોર પકડાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈના કલ્યાણ ખાતેથી ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
જોકે, મુખ્ય આરોપી હજી વોન્ટેડ છે, તેનો સહઆરોપી પોલીસને હાથ લાગ્યો છે. આ સ્માર્ટ ચોર ગૂગલ પર મોબાઈલની મોટી શોપ સર્ચ કરતા હતા અને ત્યારબાદ માત્ર એક્ટિવા પર જઈ ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનો ખુલાસો પ્રાથમિક તપાસમાં થયો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યાનુસાર, ગત ચોથી માર્ચના રોજ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સાગર સોસાયટી સામે ગુજરાત મહા-શોપિંગ સેન્ટરમાં આવેલી ગુજરાત મોબાઈલ શોપને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. રૂપિયા ૨૯ લાખથી વધુની કિંમતના મોબાઈલ ઉપરાંત ડ્રોઅરમાંથી રોકડા રૂપિયા એક લાખ મળી કુલ ૩૦ લાખની મત્તા ચોરી ગયા હતા. મોબાઈલ શોપ માલિકની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સીસીટીવી ફૂટેજમાં ચોર માથે ટોપી અને મોઢે રૂમાલ બાંધી ચોરીની ઘટનાને અંજામ આપતા કેદ થયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે કાપોદ્રા પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગુનો ઉકેલવા મથામણ કરતી હતી.
દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આ ચોરીની ઘટનામાં સંડોવાયેલો આરોપી અમર વિજય ખરાટ મુંબઈના કલ્યાણ ખાતે છુપાયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે આ ઘટનામાં સંડોવાયેલા અમર વિજય ખરાટ મુંબઈના કલ્યાણ ખાતે છુપાયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે આ ઘટનામાં સંડોવાયેલા અમર વિજય ખરાટને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં તેના અન્ય સાગરીત રામનિવાસ મંજુ ગુપ્તાનું નામ બહાર આવ્યું હતું.