સિંહ સહિતના પ્રાણીઓના રેસક્યુ માટે વેટરનરી ડોક્ટર સહિતની ટીમ પણ સ્ટેન્ડ બાય
બિપરજોય વાવાઝોડામાં ગીરના સિંહ સહિતના વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે રાજ્ય સરકારના વિવિધ પગલાંઓ લેવા માટે કાર્યરત છે. રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ બિપરજોય વાવાઝોડામાં ગીરના સિંહના વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાં સંદર્ભે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સાસણ સિંહ સદન ખાતે બેઠક યોજી હતી.
મંત્રીશ્રીએ વાવાઝોડાના સમયમાં સમગ્રતયા ખાસ કરીને સિંહોના રેસક્યુ કામગીરી બાબતની વિગતો મેળવી હતી. વન વિભાગ દ્વારા વન વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા કેવી રીતે સિંહો સહિતના વન્ય પ્રાણીઓ ઉપર મોનીટરીંગ- દેખરેખ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તે જાણી હતી. મંત્રીશ્રીએ આ સંદર્ભે ઘટતું કરવા અંગે માર્ગદર્શન અને જરુરી સૂચનાઓ આપી હતી. સિંહોના સંવર્ધન અને પ્રોજેક્ટ લાયન વિશે પણ મંત્રીશ્રીએ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ ગીરના નેસ વિસ્તારમાં વસતા માલધારીઓની ચિંતા કરતાં તેમની સલામતી માટે વન વિભાગ દ્વારા લેવામાં આવેલા પગલાંથી વાકેફ થયા હતા. મહત્વનું છે કે, ગીર પશ્ચિમ નેસ વિસ્તારના ૬ જેટલા સગર્ભા મહિલાઓને નજીકના દવાખાનામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતાં. મંત્રીશ્રીએ સિંહોના સંવર્ધન માટે અદ્યતન ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે માટે પણ પરામર્શ કર્યો હતો.
મહત્વનું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગીરના સિંહની સુરક્ષા માટેના પગલાની જાણકારી મેળવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વન વિભાગના વનપાલ ગાર્ડ, ટ્રેકર સહિતના કર્મયોગીઓ ફીલ્ડ ઉપર વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે દેખરેખ રાખી રહ્યા છે. આ બાબતનો રિપોર્ટ પણ વન વિભાગના કંટ્રોલરુમમાં વાયરલેસના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે.
આવશ્યકતા મુજબ સિંહ સહિતના વન્ય પ્રાણીઓના રેસક્યુ માટે વેટરનરી ડોક્ટર સહિતની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
સાસણ સિંહ સદન ખાતેની આ બેઠકમાં પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલ, સીસીએફ આરાધના શાહુ, ડી.સી.એફ. મોહન રામ અને પ્રશાંત તોમર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.