અમદાવાદમાં ભાડે રહેતા મહિલાને મળ્યું પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ‘પોતાનું’ મકાન
“મને મારું સરનામું મળ્યું છે”, તેવો આનંદ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી મનીષાબહેન ઠક્કર
છ વર્ષ પહેલાં પોતાના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતા મનીષાબહેન ઠક્કર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી બન્યા છે.
ભાડાના ‘મકાન’થી પોતાના ‘ઘર’ સુધીની સફર તેમના માટે ખૂબ કઠિન રહી પરંતુ આ મકાન મળ્યાનો તેમને અનહદ આનંદ છે. તેઓ પહેલા ભાડાના મકાનમાં રહેતા અને હાલમાં અમદાવાદના પોશ એરિયામાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી તેઓ પોતાનું ઘર ધરાવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવણીમાં મનીષાબહેન ઠક્કરને લાભાર્થી તરીકે દસ માળના બિલ્ડિંગમાં મકાન મળ્યું. આ મકાનમાં બે રૂમ, એક રસોડું, બે અટેચ્ડ ટોયલેટ-બાથરૂમ, એક નાની બાલ્કની વગેરે જેવી સુવિધાઓ સાથે ફાયર સેફ્ટી ઉપરાંત ફ્રીમાં મળેલી અદાણી ગેસ પાઇપલાઇન વગેરે જેવી આધુનિક સુવિધાઓ પણ મળી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મનીષાબહેન ઠક્કરને પોતાનું ઘર મળ્યું તેની તેઓને ખૂબ ખુશી છે. તેઓ હાલમાં પોતાના પરિવાર સાથે આ મકાનમાં રહે છે.
મનીષાબહેનના કહેવા મુજબ, જો આ જ પ્રકારનું ઘર તેઓ પ્રાઈવેટ સ્કીમ થકી લેવા જતા તો તેઓ દેવાદાર બની જાત અને તેમના પરિવારનો વિકાસ અટકી જાત અને તેમના બાળકોના શિક્ષણમાં અડચણ આવત; જ્યારે આ ઘર મળ્યાં બાદ તેઓ ઘણા ખુશ છે કે તેઓની મોટા ભાગની સમસ્યાનો હલ આવ્યો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મળેલાં આ ઘરમાં રહે છે તેનો મનીષાબહેનને અનહદ આનંદ છે. “મને મારું સરનામું મળ્યું છે.”, “મને મારું ઘર મળ્યુ છે.” એમ કહી ખુશી વ્યક્ત કરતા મનીષાબહેન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો દિલથી આભાર વ્યક્ત કરે છે.