મોડાસામાં ‘મહિલા જાગૃતિ સંમેલન’ યોજાયું
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) સમસ્ત વિશ્વ સ્તરે મહિલા સશક્તિકરણ અંતર્ગત અનેક પ્રયાસ થઈ રહેલ છે.ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર ગાયત્રી પરિવારના મમતામયી માતા ભગવતીદેવી શર્માએ નારી જાગરણ અભિયાનનો શુભારંભ કરેલ. ગાયત્રી પરિવાર દ્વારા નારી જાગરણ માટે અનેક રચનાત્મક ગતિવિધિઓ ચાલી રહેલ છે.
જેના ભાગ રુપે તેમજ હમણાં ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસ જે દિવસે શિવરાત્રિ હોઈ તે દિવસ સંમેલન સંભવ ન હોવાથી ૧૦ માર્ચ રવિવારે ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ‘મહિલા જાગૃતિ સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય વક્તા પ્રસિદ્ધ કથાકાર ડૉ. મમતાબેન પંડિત મહેસાણાથી ઉપસ્થિત રહ્યાં. મોડાસા સહિત ગામેગામ થી ૪૦૦ થી વધુ બહેનો આ સંમેલનમાં ઉપસ્થિત રહી.
ડૉ. મમતાબેનના હસ્તે દિપ પ્રજ્વલિત કરી દેવ પૂજન સાથે શુભારંભ કરવામાં આવ્યો. ડૉ. મમતાબેને પોતાના ઉદ્બોધનમાં કહ્યું આજના સમયમાં પરિવાર, સમાજ અને રાષ્ટ્રના શ્રેષ્ઠ નિર્માણ માટે જન જનમાં સુસંસ્કારિતા ખૂબ જ જરુરી છે. એ મહિલાઓ જ કરી શકે એમ છે. એ માટે બહેનોએ બાળ સંસ્કાર કેન્દ્રો, સંસ્કારવાન પેઢી માટે સંસ્કાર પરંપરા, કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન વિગેરે વધુ સક્રિય પ્રયાસ બહેનો ભજવી શકે છે.
મહિલાઓએ સ્વયં જ ઈર્ષા દ્વેશ અહંકાર છોડી બીજાઓને શ્રેય આપવો એ બહુ મોટી ભૂમિકા છે. સંસ્કારવાન મહિલાઓ જ કુટુંબની અખંડિતતા જાળવી શકે, વૃદ્ધાશ્રમ વધતા અટકાવી શકે છે. બહેનોએ ગામેગામ ગોષ્ઠીઓ કરી મહિલા જાગૃતિ- સશક્તિકરણ માટે વિશેષ તિવ્ર ગતિએ પ્રયાસ જરુરી છે. ડૉ. મમતાબેન પંડિતના ધારદાર ઉદ્બોધન બાદ અનેક મહાનુભાવોએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા.
આ મહિલા જાગૃતિ સંમેલન નારી જાગરણ અભિયાનના જિલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિ તથા તાલુકા સંયોજક મંજુલાબેન ચૌહાણના નેતૃત્વમાં અનેક બહેનોના સહયોગથી આયોજન સફળ બન્યું. સમગ્ર આયોજનમાં સાઉન્ડ તેમજ ટેક્નિકલ સંચાલન અરવિંદભાઈ કંસારા તેમજ મંચ સંચાલન સ્વાતિબેન ઉપાધ્યાયે કર્યું હતું.
આ કાર્યક્રમમાં વિશેષ ગાયત્રી પરિવાર યુવા સંગઠન, ગુજરાતના સંયોજક કિરિટભાઈ સોની,
અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા, નારી જાગરણ જિલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિ, કન્યા-કિશોર કૌશલ્ય જિલ્લા સંયોજક વિલાસિનીબેન પટેલ, બાળ સંસ્કાર અભિયાન જિલ્લા સંયોજક સોમાભાઈ બારોટ, મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ, મંત્રી કાન્તિભાઈ ચૌહાણ, રશ્મિભાઈ પંડ્યા, અમૃતભાઈ પટેલ, શીવુભાઈ પટેલ સહિત અનેક પરિજનો આ આયોજનને સફળ બનાવવા ઉપસ્થિત રહ્યાં. અરવલ્લી જિલ્લાના દરેક તાલુકામાંથી પ્રતિનિધિ બહેનો ઉપસ્થિત રહ્યાં. આ સમગ્ર આયોજનમાં ઉપસ્થિત સૌને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી.