ગુજરાતના 33 જિલ્લાઓની 1000 શાળા-કોલેજોમાંથી ૭૦,૬૭૦ જેટલા યુવાનો NCC સાથે જોડાયેલા છે
દેશભક્તિ અને અનુશાસનમાં ઓતપ્રોત એન.સી.સી.ના છાત્રો ભારતની સંપત્તિ છે : આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એન.સી.સી. ગુજરાતના શ્રેષ્ઠ કેડેટ્સનું સન્માન કર્યું હતું. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભાગ લેનાર ગુજરાત એન.સી.સી.ના કેડેટ્સના સન્માનમાં રાજભવનમાં ‘એટ હૉમ’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, દેશભક્તિ અને અનુશાસનમાં ઓતપ્રોત એન.સી.સી.ના છાત્રો ભારતની સંપત્તિ છે. એન.સી.સી.ના માધ્યમથી દેશસેવામાં પ્રવૃત્ત યુવાનોને તેમણે અભિનંદન આપ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, એન.સી.સી. એ યુનિફોર્મ પહેરીને થતી પરેડ પ્રક્રિયા માત્ર નથી. એન.સી.સી.ના છાત્રો જવાબદાર નાગરિક તરીકે સમાજની પ્રત્યેક જરૂરિયાત વખતે સેવા આપવા તત્પર રહે છે. વિકસિત ભારતના નિર્માણમાં, આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા તેમણે એન.સી.સી. છાત્રોને અનુરોધ કર્યો હતો. પ્રજાસત્તાક દિવસની પરેડમાં નવી દિલ્હીમાં આખું ભારત એકત્ર થાય છે. આ પરેડમાં ભાગ લેવાથી વ્યક્તિગત પ્રતિભા વિકસે છે અને આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે. તેમણે એન.સી.સી.ના અધિકારીઓને અભિનંદન આપ્યા હતા અને કેડેટ્સને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
એન.સી.સી. ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ રમેશ ષણ્મુગમે કહ્યું હતું કે, ગુજરાતના ૩૩ જિલ્લાઓની ૧૦૦૦ શાળા કોલેજોમાં ૭૦,૬૭૦ જેટલા યુવાનો એન.સી.સી. સાથે સક્રિયતાથી જોડાયેલા છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસ પરેડમાં ગુજરાતમાંથી ૧૧૯ કેડેટ્સની પસંદગી કરવામાં આવી હતી. તેમણે એન.સી.સી.ની મહત્વની ઉપલબ્ધિઓની જાણકારી આપી હતી.
એન.સી.સી. માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શ્રેષ્ઠ કેડેટ્સ કશીશ કંસારા, અંશુલ ખંડેલવાલ, દેવી શિવરામન, ઋષભ ત્રિપાઠી, પ્રિયા ચૌધરી, યશ છેત્રી, નિતિકા સિંહ અને અસ્મિતા ભરાલીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે મેડલ અર્પણ કરાયા હતા. એનસીસી ગુજરાતના પાંચ મુખ્ય ગ્રુપમાંથી વર્ષ ૨૦૨૩ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વડોદરા ગ્રુપને ચેમ્પિયનશિપ બેનરથી સન્માનિત કરાયું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વડોદરા ગ્રુપને ચેમ્પિયનશિપ બેનર અર્પણ કર્યું હતું. પાલનપુરના એન.સી.સી. કેડેટ્સ ઋતિક સુથારે પેન્સિલ કલરથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું ચિત્ર દોર્યું હતું. ઋતિક સુથાારે આ ચિત્ર રાજ્યપાલને અર્પણ કર્યું હતું. આ અવસરે રાજ્યપાલશ્રીએ એન.સી.સી. ગુજરાતની વાર્ષિક પત્રિકા ‘ધી કેડેટ જર્નલ’ નું પણ વિમોચન કર્યું હતું.
‘એટ હૉમ’ સમારોહમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી, એન.સી.સી.ના ઉચ્ચ અધિકારીઓ અને એન.સી.સી. કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.