અફઘાનિસ્તાનની વિદ્યાર્થિની VNSGUમાં ગોલ્ડ મેડલ જીતી
સુરત, અફઘાનિસ્તાનની યુવતી રઝિયા મુરાદીએ VNSGUમાંથી એમએમાં (પબ્લિક એડમિનિસ્ટ્રેશન) ગોલ્ડ મેડલ મેળવીને તાબિલાનને આકરો જવાબ આપ્યો છે.
‘હું તાલિબાનોને કહેવા માગુ છું કે જાે તક આપવામાં આવે તો મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે’, આમ કહીને તેણે મહિલાઓની સ્વતંત્રતા અને અધિકારીઓ છીનવી લેનારા તેમજ સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં પણ તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકનારા અફઘાનિસ્તાનના શાસકો પર કટાક્ષ કર્યો હતો.
મુરાદીએ સરેરાશ ૮.૬ ગ્રેડ પોઈન્ટ મેળવ્યા હતા, જે તેના વિષયમાં હાઈએસ્ટ સ્કોર હતો અને સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સોમવારે યોજાયેલા કોન્વોકેશનમાં સૌથી પહેલા નંબર પર હતી, જ્યાં તે છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસ કરી રહી છે.
તેણે ૨૦૨૨માં એમએ પૂરું કર્યું હતું અને હાલ તે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પીએચડી કરી રહી છે. તેને ગોલ્ડ મેડલ સિવાય શારદા અંબેલાલ દેસાઈ એવોર્ડ પણ મળ્યો હતો.
જ્યારે રઝિયા મુરાદીને ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે તે ખુશ હતી અને દુઃખી પણ. કારણ કે ૨૦૨૦માં ભારત આવ્યા બાદ તે ઘરે ગઈ નથી. ‘હું મારા મેડલ માટે ખુશ છું, પરંતુ ત્રણ વર્ષથી મારા પરિવારને ન મળવાનું દુઃખ પણ છે. હું તેમને ફોન કરીને જાણ કરીશ અને તેઓ ખુશ થશે’, તેમ મુરાદીએ કહ્યું હતું. તે ત્યાંથી આવી ત્યારથી તેનો દેશ ઘણો બદલાઈ ગયો છે.
૨૦૨૧માં અમેરિકાની સેનાના અફઘાનિસ્તાન છોડતાં ત્યાં ફરી તાલિબાન સત્તા પર પરત ફર્યા છે. તેમણે ઈસ્લામિક કાયદાને કડક રીતે અમલ કર્યો છે, મહિલાઓને ઔપચારિક શિક્ષણ આપવા પર પ્રતિબંધ મૂકાયો છે, મહિલાઓને મોટાભાગની નોકરી પર પ્રતિબંધ મૂકાયો છે અને જાહેરમાં માથાથી પગ ઢંકાઈ તેવા કપડાં પહેરવાનો આદેશ છે.
હું અફઘાનિસ્તાનની મહિલાઓનું પ્રતિનિધિત્વ કરી રહી છું. મને આ તક આપવા માટે હું ભારત સરકાર, આઈસીસીઆર, વીએનએસજીયુ અને અહીંયા લોકોની આભારી છું’, તેમ મુરાદીએ કહ્યું હતું, જેનું સપનું પોતાની જન્મભૂમિ પર પરત ફરવાનું અને તેના માટે કામ કરવાનું છે.
ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ અને અન્ય ઈન્સ્ટિ્યૂટ્સના સ્કોલરશીપ સપોર્ટની સાથે અફઘાનિસ્તાનના લગભગ ૧૪ હજાર વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી મોટાભાગનાએ તાલિબાન શાસનના કારણે ભારતમાં તેમના રોકાણને લંબાવ્યું છે.
મુરાદીને આશા છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાય દખલગીરી કરશે અને અફઘાનિસ્તાનના લોકો અન્ય દેશોમાં જે રીતે જીવે છે તે રીતે જીવે તેની ખાતરી કરશે.
રઝિયા મુરાદીની સફળતા એટલા માટે પણ ખાસ છે કારણ કે, કોરોનાને રોકવા માટે ભારતમાં લોકડાઉન લાગુ કરાયું તે પહેલા એ અહીં આવી ગઈ હતી. પહેલા બે સેમેસ્ટરમાં તેના મોટાભાગના ક્લાસ અને પરીક્ષા ઓનલાઈન યોજાઈ હતી. વીએનએસજીયુના આસિસ્ટન્ટ પ્રોફેસર મધુ થવામીએ કહ્યું હતું કે, મુરાદી તેજસ્વી વિદ્યાર્થિની છે. તે શિસ્તબદ્ધ અને આજ્ઞાકારી વિદ્યાર્થી છે.SS1MS