બાળકોના ભણતર માટે પિતાએ ઉંચા પગારની સરકારી નોકરી છોડી દીધી અને પછી…..
વારાણસી, ઉત્તરપ્રદેશના વારાણસીથી થોડા કિલોમીટર દૂર આવેલા એક નાના ગામમાં શુક્લાજી તેમના પરિવાર સાથે જીવન વિતાવતા હતા. પરિવારમાં પત્નિ, મોટી દિકરી, પુત્ર અને પુત્રથી નાની દિકરી હતી. ગોરખપુરમાં છેલ્લા 22 વર્ષથી સરકારી નોકરી કરતાં હતાં અને પગાર પણ 2015ની સાલમાં લગભગ 60 હજારની આસપાસ હતો. શુક્લાજીના બાળકો સરકારી સ્કુલોમાં ભણીને સારા માર્કે પાસ થતાં હતા. એટલે પતિ અને પત્નિ બંને ખુશ હતા.
ગામડે ભાઈઓ અને બીજા સગાઓ પણ શુક્લાજીથી ખુશ હતાં. પરિવારમાં માત્ર એક શુક્લાજી જ સારા ઉચ્ચ પગારની સરકારી નોકરી કરતાં હતા. એક વખત શુક્લાજી પરિવારને મળવા ગામ આવે છે અને ભાઈઓ સાથે બેસીને ચર્ચા કરે છે કે મારે હવે નોકરી નથી કરવી અને નોકરીમાંથી વીઆરએસ લઈ લેવું છે. આવું અચાનક જ કહેતાં નાના મોટા બંને ભાઈઓ અચંબિત થઈ જાય છે અને શુક્લાજીને પૂછે છે હવે અચાનક આમ કરવાનું કારણ શું.
શુક્લાજી કહે છે મારી મોટી દિકરી બી. કોમ.ના અભ્યાસ દરમ્યાન કોલેજમાં ઘણાં સારા માર્કથી પાસ થઈ છે અને મેં હમણાં તેને પૂછ્યુ કે, બેટા તારે આગળ શું કરવું છે. તો તેણે કહ્યુ કે મારે સીએ બનવું છે. દિકરો 12 સાયન્સમાં સ્કુલમાં પ્રથમ આવ્યો તેને પૂછ્યું કે બેટા તારે આગળ શું કરવું છે. પુત્રએ કહ્યુ પપ્પા મારે તો ડોકટર જ બનવું છે અને ગમે તેમ કરીને હું ડોકટર બનીશ.
મોટી પુત્રી અને પુત્રની વાત સાંભળી શુક્લાજી ખુશ તો થયા પરંતુ આખી રાત તેમને ઉંઘ ન આવી. આટલા પગારમાં હું બંનેના સપના પૂરા કેવી રીતે કરીશ. પુત્રીને સીએ બનાવવા લગભગ 8 થી 10 લાખનો ખર્ચ અને પુત્રને ડોકટર બનાવવા 20 લાખની જરૂર હતી. બંને ભાઈઓએ શુક્લાજીને કહ્યુ કે, અમારી પાસે જેટલાં છે તે લઈ લો અને બીજા લોકો પાસેથી નાણાં લઈને બંનેને ભણાવો. ભાઈઓ પાસેની મૂડી તો ઘણી જ ટૂંકી હતી. પરંતુ અન્ય સગાઓને એક દિવસ ફોન કરીને શુક્લાજીએ પૂછ્યું. તો કોઈએ કહ્યુ 2 લાખ લઈ જાઓ, કોઈએ કહ્યુ 1 લાખ લઈ જાઓ. આમ 30 લાખની મૂડી ઉભી કરવા 15 થી 20 સગાઓ પાસેથી 30 લાખ ભેગા કરવા પડે.
આ શુક્લાજીને મંજૂર ન હતું, કારણ એવું હતું કે બંને બાળકોને ભણાવતાં 5 થી 7 વર્ષ જેટલો સમય વિતી જાય અને જો વચ્ચે કોઈ નાણાં પાછા માંગે તો અચાનક કેવી રીતે પાછા આપવા. લાખ કે બે લાખ હોય તો પાછા આપી શકાય પણ આટલી મોટી રકમ પાછી આપવી શુક્લાજીને અશક્ય લાગ્યું.
એટલે તેમણે થોડો સમય બાદ સરકારી નોકરીમાંથી વી. આર. એસ. લેવાનું નક્કી કર્યુ અને આ અંગેની જાણ પત્નિ કે ભાઈઓેને ન કરી. વી. આર. એસ. બાદ શુક્લાજીને 60 લાખ જેટલી રકમ મળે તેમ હતી. તેથી તેમણે વિચાર્યુ કે મારે મારી રીતે જ નિર્ણય લેવો છે અને હું જે નિર્ણય લઈ રહ્યો છું તેનો આગળ ભગવાન મને રસ્તો બતાવશે. પત્નિ અને ભાઈઓને આ નિર્ણયની જાણ થતાં ગામના લોકો અને ઘરના તમામ વડિલોએ શુક્લાજીનો વિરોધ કર્યો પણ શુક્લાજીએ કોઈની વાત ન માની.
આખરે, 30 થી 35 લાખ જેટલી રકમ મોટી દિકરી અને પુત્ર માટે રાખીને બાકીની રકમમાંથી વારાણસી નજીક 2 પ્લોટ ખરીદ્યા અને મોટી દિકરીને મુંબઈમાં સીએના ક્લાસમાં એડમિશન અપાવી દીધું. દિકરો પણ MBBS કરવા માટે વડોદરા નજીક આવેલી કોલેજમાં ભણવા લાગ્યો. દિકરી 2-3 વર્ષમાં મુુંબઈમાં સીએ થાય છે અને તે દરમ્યાન તેના લગ્ન એક સીએ છોકરા સાથે થાય છે અને હાલમાં દિકરી 6 આંકના મહિને પગાર સાથે મુંબઈમાં તેના પરિવાર સાથે સુખમય જીવન વિતાવે છે.
શુક્લાજીનો પુત્ર અને સૌથી નાની દિકરી અને પત્નિ સાથે અમદાવાદ શિફ્ટ થાય છે, કારણ કે તેમની સૌથી નાની દિકરીને પણ બી. એડ. કરીને લેકચરર બનવું હતું. સૌથી નાની દિકરીની ઈચ્છાને માન આપી શુક્લાજી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મકાન ભાડે રાખી રહે છે અને પુત્ર પણ સમયાંતરે વડોદરાથી આવીને તેમની સાથે રહેતો હતો. મોટી દિકરી મુંબઈમાં સારૂં કમાતી હતી એટલે શુક્લાજીને તે ચિંતા ન હતી.
પરંતુ અમદાવાદ આવ્યા પછી શુક્લાજીને ઘર ચલાવવાં ક્યાંક કોઈ કંપનીમાં નોકરીની જરૂર હતી. બોલવામાં હોંશિયાર અને 22 વર્ષના સરકારી અનુભવને કારણે એક કંપનીના શેઠને મળવા જાય છે શેઠ કહે છે હું તમને 20 હજાર જેટલી સેલરી આપી શકીશ અને સેલ્સમેન તરીકે કામ કરવાનું રહેશે. શુક્લાજી હોંશેહોશે નોકરી શરૂ કરી દે છે અને હાલ છેલ્લા 8 વર્ષથી તે જ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરી રહ્યા છે.
વચેટ દિકરો પણ પાંચ વર્ષ ભણીને ડોકટર થાય છે અને એકાદ વર્ષ પ્રેકટીસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નાનું દવાખાનું શરૂ કરે છે. મા-બાપનો દિકરો ગરીબ પેશન્ટના ઘરે વિઝીટમાં જાય અને જો લાગે કે ઘરમાં પૈસાની તકલીફ છે તો પૈસા લીધા વગર નિકળી જાય. કેટલીક વખત તો ડોકટર દિકરો પેશન્ટને ઘરે દવાઓ ખરીદીને પણ પહોંચાડતો. દિકરાને થોડો સમય પ્રેકટીસ કરીને એમ.ડી. થવાની ઈચ્છા છે. પરંતુ ફરીથી પાછું પપ્પાને કહી શકાય તેમ નથી. તેણે પિતાને કહી દીધું હવે બધું જ હું મારી મહેનતથી કરીશ.
સૌથી નાની દિકરી પણ બી. એડ. થઈને લેકચરર તરીકે કોલેજમાં સેટ થઈ ગઈ છે અને માતા-પિતા સાથે રહે છે. વારાણસીમાં લીધેલા 30 લાખના પ્લોટોની કિંમત હાલમાં 2 કરોડની આસપાસ થઈ ગઈ છે. ઘણી વાર શુક્લાજી વિચારે છે કે મેં વી. આર. એસ. લઈને જીંદગીમાં મોટી ભૂલ તો નથી કરીને?