Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

ભારે ગરમીથી બચવા પુષ્કળ પાણી પીવા તથા બપોરના સમયે શક્ય હોય તો બહાર નીકળવાનું ટાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયો અનુરોધ

પ્રવર્તમાન સમયમાં આકસ્મિક રીતે વાતાવરણમાં થયેલ ફેરફારના કારણે અને વધુ પડતી ગરમી (લૂ) ની અસરથી બચવા માટે અમદાવાદ જિલ્લા કલેકટરશ્રી દ્વારા જનહિતમાં  લોકોને સ્વાસ્થ્ય જાળવવા અને લૂથી બચવા કેટલાંક સૂચનો કરવામાં આવ્યાં છે.

જે રીતે સમગ્ર જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હીટવેવથી બચવા માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે કે, ભારે ગરમીથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું હિતાવહ છે.

~ લૂ લાગવાનાં/સનસ્ટ્રોકનાં લક્ષણો :-

દર્દીને સનસ્ટ્રોક લાગે ત્યારે તેને માથું દુઃખવું, પગની એડીઓમાં દુઃખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઊલ્ટી ઊબકા આવવા, ચક્કર અને આંખે અંધારા આવી જાય, બેભાન થઈ જવું વગેરે પ્રારંભિક લક્ષણો જોઈ શકાય છે. અતિ ગંભીર કિસ્સામાં દર્દીને ખેંચ પણ આવી શકે છે.

~ લૂ થી બચવા શું શું પગલાં લેવાં જોઈએ?

દર્દીએ સીધા સૂર્યપ્રકાશથી બચવું. તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું જોઈએ. આ ઉપરાંત લીંબુ સરબત, મોળી છાસ, તાડફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. દિવસ દરમ્યાન ઠંડકવાળી જગ્યાએ અને છાયામાં રહેવું જોઈએ.

ગરમીની ઋતુમાં સફેદ રંગના સુતરાઉ કાપડના ખુલતા અને આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા જોઈએ. ટોપી, ચશ્મા, છત્રીનો મહત્તમ રીતે ઉપયોગ કરવો જોઈએ. નાનાં બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશકત અને બીમાર વ્યક્તિતઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ. બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. તેમજ બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ગરમીની ઋતુમાં વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત પીવું જોઈએ. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી જોઈએ. આ ઉપરાંત તરબુચનું દરરોજ સેવન કરવું જોઈએ.

લૂ લાગવાના અમુક કિસ્સામાં જો તાત્કાલિક રીતે દર્દીને સારવાર ન મળે તો હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. ત્યારે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવો જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.