Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક 613 MLD પ્રદૂષિત પાણી નદીમાં બાયપાસ

પ્રતિકાત્મક

દૈનિક શુદ્ધ પાણીના સપ્લાયની સામે સુઅરેજ વોટરનું ઉત્પાદન વધુઃ શહેઝાદખાન પઠાણ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.ને ગુજરાત હાઈકોર્ટની આકરી ફટકાર બાદ પણ સાબરમતી નદીનું પ્રદુષણ લેશમાત્ર પણ ઓછું થયું નથી અમદાવાદ શહેરના સુઅરેજ વોટરને શુદ્ધ કરી નદીમાં છોડવામાં આવે છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે નદીમાં જેટલું પાણી છોડવામાં આવે છે તેના લગભગ ૬૦ટકા પાણી ટ્રીટ કર્યાં વગર જ નદીમાં બાયપાસ થાય છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સુઅરેજ વોટરને ટ્રીટ કરવા માટે ૧૩ એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે આ તમામ પ્લાન્ટની કુલ ક્ષમતા ૧રરપ એમએલડી છે પરંતુ તેની સામે સુઅરેજ વોટરની દૈનિક આવક ૧૬૯૩ એમએલડી છે. મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદખાન પઠાણના જણાવ્યા મુજબ સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા કરતા ગટરના પાણીની આવક વધારે હોવાથી રોજ ૬૧૩ એમએલડી પાણી શુદ્ધ કર્યા વિના જ નદીમાં બાયપાસ કરવામાં આવે છે

જેના કારણે નદી વધુ પ્રદુષિત થઈ રહી છે. સાબરમતી નદીની ગણતરી દેશની સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં થાય છે નદીમાં પ્રદુષિત પાણી ન જાય તે માટે હાઈકોર્ટ તરફથી અનેક વખત લાલ આંખ કરવામાં આવી છે પરંતુ મ્યુનિ. અધિકારીઓની બેદરકારીના કારણે દરરોજ કરોડો લીટર ગંદુ પાણી નદીમાં છોડવામાં આવી રહયું છે. મ્યુનિ. કોર્પો. પાસે જે હયાત ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તે પણ વર્ષો જુના છે

જેને અપગ્રેડ કરવા જરૂરી છે પરંતુ મ્યુનિ. સત્તાધીશોને જુના પ્લાન્ટ અપગ્રેડ કરવા કરતા નવા પ્લાન્ટ બનાવી કરોડો રૂપિયા ખર્ચ કરવા વધારે રસ છે તેથી જ વર્લ્ડ બેંકની લોનમાંથી રૂ.૭૮૦ કરોડના ખર્ચથી નવો પ્લાન્ટ બનાવવામાં આવી રહયો છે. મ્યુનિ. કોર્પોરેશન પાસે કોઈ નકકર પોલીસી ન હોવાથી આ પ્લાન્ટ પણ નિષ્ફળ જાય તેવી પુરેપુરી સંભાવના છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અત્રે નોંધનીય બાબત એ છે કે અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા દૈનિક ૧૪૦૦ એમએલડી શુદ્ધ પીવાલાયક પાણી સપ્લાય કરવામાં આવે છે સામાન્ય નિયમ મુજબ તંત્ર દ્વારા જે શુદ્ધ પાણી સપ્લાય કરવામાં આવે તેના ૮૦ ટકા પાણી ડ્રેનેજ મારફતે એસટીપીમાં જઈ શકે છે તેનો સીધો મતલબ એ થાય કે ૧૪૦૦ એમએલડીના સપ્લાય સામે દૈનિક વધુમાં વધુ ૧૧૦૦ એમએલડી સુઅરેજ વોટરનું ઉત્પાદન થઈ શકે છે

પરંતુ અહીં રોજ ૧૬૯૩ એમએલડી સુઅરેજ વોટર ઉત્પન થાય છે જેનો સીધો મતલબ એ છે કે પૂર્વના વિસ્તારમાં આવેલી ફેકટરીઓના માલિકો દ્વારા કેમિકલયુકત પાણી બારોબાર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જ છોડવામાં આવી રહયા છે અથવા તો અનેક જગ્યાએ ગેરકાયદેસર જોડાણ થઈ ગયા હોય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.