રામોલ-હાથીજણમાં ગેરકાયદે બાંધકામ પર અમદાવાદ મ્યુનિ. તંત્ર ત્રાટક્યું
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના પૂર્વ ઝોનમાં એસ્ટેટ અને ટીડીઓ વિભાગની ટીમ દ્વારા રામોલ-હાથીજણ વોર્ડમાં ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના એક ગેરકાયદે બાંધકામને તોડી નાખવામાં આવ્યું હતું. રામોલ-હાથીજણ વોર્ડની ટીપી સ્કીમ નં. ૧૦૭ ના ફાઈનલ પ્લોટ નં. ૧૦૨/પૈકીમાં આવેલા શ્રીહરિ એસ્ટેટના ખાંચામાં ૭૫૦ ચોરસ ફૂટનું ઈન્ડસ્ટ્રિયલ પ્રકારનું ગેરકાયદે બાંધકામ ઉભું કરાયું હતું.
તંત્રએ આ બાંધકામને તોડી પાડીને બાંધકામકર્તા પાસેથી રૂ. ૨૫૦૦૦નો વહીવટી ચાર્જ પણ વસૂલ્યો હતો. આ ઉપરાંત વસ્ત્રાલમાં ૬૦ ઝૂંપડાને મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટમાંથી દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મુજબ બોડકદેવ, થલતેજ,ગોતા અને ઘાટલોડિયામાં આવેલા વીઆઈપી રોડ પરના તેમજ ફૂટપાથ પર પાર્ક કરેલા ચાર ટુ વ્હીલર,
આઠ ફોર વ્હીલર, ત્રણ છતવાળી લારી, પાંચ સાદી લારી,નવ પ્લાસ્ટિકના સ્ટૂલ, પાંચ લોખંડના ટેબલ, લોખંડની ૨૪ એંગલ, ૧૩ તાડપત્રી, ૪૭ જાહેરાતના બોર્ડ, ૩૭ બેનર-પતાકા, ૧૪ કેરેટ અને ૬૨ પરચૂરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેર રોડ પર ગંદકી કરવાના મામલે, નો હોકિંગ ઝોનમાં લારીઓ મૂકી દબાણ કરવાના મામલે તેમજ નો પા‹કગ ઝોનમાં વિહિકલ પાર્ક કરવાના મામલે તંત્રએ કસૂરવારો પાસેથી રૂ. ૧૧૫૦૦નો દંડ પણ વસૂલ્યો હતો.
પૂર્વ ઝોનના વસ્ત્રાલમાં આઠ વાહનોને તાળાં મારીને રૂ. ૧૬૦૦, અમરાઈવાડીમાં નવ વાહનોને તાળાં મારીને રૂ. ૨૭૦૦, રામોલ-હાથીજણમાં પાંચ વાહનોને તાળાં મારીને રૂ. ૫૦૦૦, ગોમતીપુરમાં ચાર વાહનોને તાળાં મારીને રૂ. ૧૨૦૦, નિકોલમાં નવ વાહનોને તાંળાં મારીને રૂ. ૧૮૦૦, વિરાટનગરમાં આઠ વાહનોને તાળાં મારીને રૂ. ૩૦૦૦, ભાઈપુરાં ત્રણ વાહનોને તાળાં મારીને રૂ. ૧૫૦૦ અને ઓઢવ વોર્ડમાં આઠ વાહનોને તાળાં મારીને રૂ. ૨૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.