અમદાવાદના ત્રણ ઝોનમાં ગણપતિ વિસર્જન માટે ૩૩ કુંડ તૈયાર કરવામાં આવશે
(પ્રતિનિધિ)અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ગણપતિ ચતુર્થી થી અનંત ચૌદસ સુધી નાગરિકોને તમામ પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તહેવાર ના છેલ્લા દિવસ એટલે કે વિસર્જન ના દિવસે તંત્ર ઘ્વારા સાબરમતી નદીના પટમાં વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવે છે.
આ ઉપરાંત દરેક વિસ્તારમાં પણ જ્યાં નાના-મોટા તળવા ઉપલબ્ધ છે ત્યાં પણ વિસર્જનની તમામ સગવડ કરી આપવામાં આવે છે. આગામી ૭ સપ્ટેમ્બરથી શરૂ થતા તહેવારના અંતિમ દિવસે મધ્ય, પશ્ચિમ અને ઉતરઝોનમાં વિસર્જન કુંડ બનાવવામાં આવશે
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ ઉતરઝોનમાં ઝોન લેવલે ૮ અને રિવરફ્રન્ટ ઘ્વારા એક કુંડ મળી કુલ ૯ કુંડ બનાવવામાં આવશે. રિવરફ્રન્ટ ઘ્વારા છટ્ઠ ઘાટ પાસે કુંડ બનાવવામાં આવ્યો છે જયારે ઝોન કક્ષાએ ભદ્રેશ્વર સ્મશાન અને રણમુકતેશ્વર પાસે પ ૨૫×૭.૫ ની સાઈઝના બે-બે કુંડ બનાવવામાં આવશે. બાપુનગર વોર્ડમાં પાછલા વરસે તળાવમાં કુંડ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલ અહીં તળાવ ડેવલપમેન્ટ નું કામ ચાલી રહ્યું હોવાથી કુંડ માટે જગ્યા નક્કી થઈ નથી.
પશ્ચિમ ઝોનમાં અલગ-અલગ ૧૩ સ્થળે વિસર્જન કુંડ બનાવવામાં આવશે. જેમાં અચેર સ્મશાન પાસે ૩૦×૮×૪.૫ ની સાઈઝ અને કાળીગામ તળાવ પાસે ૩૩×૧૮×૩ની સાઇઝનો કુંડ તૈયાર કરવામાં આવશે. તમામ કુંડ ૭ સપ્ટેમ્બર સુધી તૈયાર થઈ જશે. જયારે મધ્યઝોનમાં ૧૧ કુંડ બનાવવામાં આવશે. જે પૈકી શાહપુર માં ૦૩, જમાલપુર માં ૫ અને શાહીબાગ માં ૦૩ કુંડ તૈયાર કરવામાં આવશે.
શહેરના પૂર્વ, દક્ષિણ, ઉત્તર-પશ્ચિમ અને દ.પ. ઝોનમાં દરેક વિસ્તારમાં અનુકુળતા મુજબ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવશે. મોટાભાગે પાછલા વર્ષે જે સ્થળે કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા તેજ સ્થળે આ વર્ષે કુંડ બનાવવામાં આવશે પરંતુ જયાં ડેવલપમેન્ટ વર્ક ચાલી રહયા છે તે વિસ્તારમાં કુંડના સ્થાન બદલવામાં આવશે. પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ઝોનમાં રિવરફ્રંટ પર જરૂરિયાત મુજબ વિસર્જન કુંડ બનાવવામાં આવશે.
તેમ છતાં વધુ કુંડની માંગણી થશે તો રિવરફ્રંટ લિમિટેડ દ્વારા પણ કુંડ બનાવવામાં આવશે. દર વર્ષની જેમ વિસર્જન સમયે મૂર્તિ પધરાવવા તેમજ બહાર નીકાળવા માટે તંત્ર દ્વારા ક્રેઈનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. તદઉપરાંત મ્યુનિ. કોર્પો. દ્વારા શ્રેષ્ઠ પ્રતિમા થીમ અને સ્વચ્છતા વગેરેને ધ્યાનમાં લઈ ખાસ ટ્રોફી પણ એનાયત કરાશે.