553 મિલકતોની હરાજી કરશે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન
બાકી પ્રોપર્ટી ટેક્સ વિભાગના ચોપડે આજ દિન સુધીની કુલ પપ૩ મિલકતની જાહેર હરાજી કરવાની થાય છે.
(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રજાલક્ષી સામાન્ય સુખાકારીના કામો જેવા કે નળ, ગટર અને રસ્તા તેમજ મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટોને આગળ ધપાવવા માટે પ્રોપર્ટી ટેક્સની આવક ભારે મહત્ત્વની છે. તંત્રમાંથી ઓક્ટ્રેયની આવક નાબૂદ થયા બાદ હવે રોજબરોજના સામાન્ય કામો માટે પણ પ્રોપર્ટી ટેક્સની આવકમાં વૃદ્ધિ કરવા સરાહનીય પ્રયાસો કરાઈ રહ્યા છે. જેમાં ડિફોલ્ટર્સની મિલકતની મક્કમતાભેર જાહેર હરાજી કરવાની કવાયત આરંભી છે.
મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સ વિભાગના ચોપડે આજ દિન સુધીની કુલ પપ૩ મિલકતની જાહેર હરાજી કરવાની થાય છે. બાકી પ્રોપર્ટી ટેક્સ વિભાગના ચોપડે આજ દિન સુધીની કુલ પપ૩ મિલકતની જાહેર હરાજી કરવાની થાય છે. બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે જાહેર હરાજીની આ પ્રક્રિયાને મ્યુનિ. કોર્પો.ના અત્યાર સુધીના ઈતિહાસની સર્વપ્રથમ કાયદાકીય કાર્યવાહી કહી શકાશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા જે તે ડિફોલ્ટરની મિલકતની સામે જાહેર હરાજી કરવા સુધીની આકરી કાર્યવાહી ક્યારેય થઈ નથી, પરંતુ હવે પહેલી વખત ડિફોલ્ટર્સની મિલકતને સીલ કરવા ઉપરાંત તેમની મિલકત ટાંચમાં લઈ જાહેર હરાજી કરાઈ રહી છે.
ખુદ પ્રોપર્ટી ટેક્સ વિભાગના સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધીમાં ડિફોલ્ટર્સની કુલ ૬૧પ મિલકત વિરૂદ્ધ જાહેર હરાજીને લગતી પબ્લિક નોટિસ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. વર્તમાન પત્રોમાં આ ૬૧પ મિલકતની જાહેર હરાજીની નોટિસ પ્રસિદ્ધ થયા બાદ કુલ ૬ર મિલકતમાં ડિફોલ્ટર્સ દ્વારા પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી કરાઈ છે.
એટલે હજુ પપ૩ મિલકતનો પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી રહ્યો હોઈ આ મિલકતોની જાહેર હરાજી થવાની છે. મ્યુનિ. રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલના જણાવ્યા મુજબ તાજેતરમાં પૂર્વ ઝોનમાં બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત સંદર્ભે ત્રણ મિલકતોની હરાજી હાથ ધરાઈ હતી.
જાે કે આ ત્રણેય મિલકતના કુલ બાકી ટેક્સના નાણા રૂા.૬૩,૦૬,૩૧પ પૈકી રૂા.૩૬,૮૬,૩૮૩નો ટેક્સ ડિફોલ્ટર્સ દ્વારા ભરપાઈ કરવામાં આવતા આ હરાજી મોકૂફ રખાઈ હતી. ડિફોલ્ટર્સ દ્વારા બાકીનો પ્રોપર્ટી ટેક્સ એક મહિનામાં ભરપાઈ કરવાની બાંયધરી તંત્રને અપાઈ છે. જે ડિફોલ્ટર્સની મહત્તમ પ્રોપર્ટી ટેક્સની રકમ તંત્રના ચોપડે બાકી છે તેવા ડિફોલ્ટર્સ જાહેર હરાજી કે સીલિંગ કે ટાંચ કે જપ્તી સુધીની આકરી કાર્યવાહીથી બચવા પોતાનો પ્રોપર્ટી ટેક્સ સમયસર ભરવો જાેઈએ.
મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગની જાહેર હરાજીને લગતી યાદીમાં દર્શાવાયેલી મિલકત મુજબ ૧૮ મિલકતમાં વેલ્યુએશનની પ્રક્રિયા પુર્ણ કરાઈ છે.
એટલે આ મિલકતોમાં તંત્ર દ્વારા ટૂંક સમયમાં જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરી શકાશે. તંત્રની કલેક્ટરના રેકોર્ડમાં જે તે ડિફોલ્ટર્સની મિલકતની બોજા નોંધણી અંગેની એક અન્ય યાદીમાં દર્શાવ્યા મુજબ કુલ ૩૧૭ ડિફોલ્ટર્સની મિલકત સામે બોજા નોંધણીની કાર્યવાહી થઈ રહી છે,
જે પૈકી ૧પ૯ મિલકતની કલેક્ટરના રેકોર્ડમાં કાચી નોંધ થઈ છે, જ્યારે હજુ ૧પ૮ મિલકતની બોજા નોંધણીની પ્રક્રિયા ચાલુ છે. દરમિયાન, મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગને ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪માં તા.ર૯ ઓગસ્ટ સુધીમાં કુલ ૮૧૪.પ૮ કરોડની આવક થવા પામી છે, જે ગત નાણાકીય વર્ષની આટલા સમયગાળા દરમિયાનની રૂા.પ૬ર.૬૬ કરોડની આવકની સામે ૪૪.૭૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.