એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-સુરત ફલાઈટ છેલ્લા 8 દિવસમાં 3 વાર કેન્સલ થઈ
દિલ્હીની ફલાઈટ બોર્ડિંગ બાદ રદ કરાતા પેસેન્જર્સનો સુરત એરપોર્ટ ઉપર હંગામો
સુરત, એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી સુરત દિલ્હી ફલાઈટ્સ ૧પ મે પછી છેલ્લા બે દિવસમાં એટલે કે, ર૧મી અને રરમી મેના રોજ પણ રદ કરી દેવાતા પેસેન્જર્સે હંગામો મચાવ્યો હતો. એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-સુરત ફલાઈટ છેલ્લા ૮ દિવસમાં ૩ વાર કેન્સલ થઈ છે. મંગળવાર પછી બુધવારે પણ અચાનક ઓપરેશન સમસ્યાનું કારણ આપી ફલાઈટ કેન્સલ કરાતા ૧૬૦ પેસેન્જરે હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો.
એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરતની દિલ્હી એરપોર્ટથી ૧૦ઃ૦૦ વાગ્યે ટેકઓફ થાય છે અને સુરત એરપોર્ટ ૧રઃ૦૦ વાગ્યે આવે છે. સુરતથી બપોરે ૧ વાગ્યે ઉપડી બપોરે ૩ વાગ્યે દિલ્હી પહોંચે છે. અચાનક ફલાઈટ કેન્સલ થતાં જ ૧૬૦ પેસેન્જરનો પ્રવાસ બગડયો હતો. કેટલાક કોડ શેરિંગમાં ઈન્ટરનેશનલ ફલાઈટ માટે સિંગલ પીએનઆર ટિકિટ લીધી હતી એવા પેસેન્જર પણ ભેરવાયા હોવાનું જાણવા મળ્યું છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-સુરતની ફલાઈટ લાગલગાટ બે દિવસથી કેન્સલ કરાતા ૧૬૦ મુસાફરો અટવાયા હતા. અલબત્ત, કંપનીએ પોતાની સુફિયાણી વ્યવસ્થા મુજબ મુસાફરોને રિ-શિડયુલ અને ટિકિટના રિફંડના ઓપ્શન આપ્યા હતા. જો કે, પેસેન્જરોએ બોર્ડીંગ કલિયર કરી લીધા પછી ફલાઈટ ઓપરેશન સમસ્યાને લીધે રદ કરવામાં આવી હોવાની જાહેરાત થતાં પેસેન્જર અકળાયા હતા.
એર ઈન્ડિયા હવે ખાનગી કંપની બની ગઈ છે પરંતુ પેસેન્જર્સને જવાબો સરકારી મળ્યા હતા. એર ઈન્ડિયાએ ફલાઈટ રદ કરવા પાછળ રાબેતા મુજબનું ઓપરેશન સમસ્યાનું કારણ દર્શાવ્યું હતું.
ઘણાની વ્યવસાયિક મીટિંગ રદ થઈ હતી તો કોઈ દિલ્હીથી દેશના બીજા શહેર જવા માંગતા હતા. કેટલાય તો એવા પણ હતા કે જેમની દિલ્હીથી કનેક્ટિંગ અન્ય દેશની ફલાઈટ હતી અને તેમણે સિંગલ પીએનઆરથી ટિકિટ લીધી હતી. આવા પેસેન્જરની હાલત સૌથી વધારે કફોડી થઈ હતી. આવી હાલતમાં તેઓ બીજી ફલાઈટ પણ ચૂકી ગયા હતા.