Western Times News

Gujarati News

અરેરે ! આ ઉનાળામાં પણ કેસર કેરીની અછત વર્તાઈ શકે

  • ખરાબ હવામાનથી ઉત્પાદનને અસર

રાજકોટ, કેરીના રસિકો રસદાર કેસર કેરીના આગમનની આતુરતાથી રાહ જાેઈ રહ્યાં છે. પરંતુ કેરીના રસિકો આ ગરમીમાં તેનો ભરપૂર આનંદ નહીં લઈ શકે. દિવસ અને રાત્રીના તાપમાનમાં ભારે તફાવત અને કમોસમી વરસાદ સાથે આ અઠવાડિયે ભીના હવામાનની આગાહી છે. જેના કારણે જૂનાગઢ અને અમરેલીના બગીચાઓમાં ફળ ઉગાડવાની પ્રક્રિયાને ખરાબ રીતે અસર થઈ છે.

Alas! Shortage of saffron mangoes this summer

જ્યાં કેસર કેરીની ખેતી કરવામાં આવે છે. એટલે આ વર્ષે કેસર કેરીનો સપ્લાય પણ ઘટે એવી શક્યતાઓ રહેલી છે. કેરીની ખેતી કરતા ખેડૂતો કહે છે કે, ૨૦૨૨ની સરખામણીમાં ઉત્પાદન ૨૫-૩૦ ટકા ઓછુ થઈ શકે છે. જાે આવી સ્થિતિ રહેશે તો ગ્રાહકોને ફળોની દુકાનેથી નિરાશ થઈને પરત ફરવાનો વારો આવી શકે છે.

ઉત્પાદનને ફટકો પડ્યો છે, કારણ કે ૨૦૨૧ના ચક્રવાત તૌકતેના કારણે મોટી સંખ્યામાં બગીચાઓને નષ્ટ કરી નાખ્યા હતા. વધુમાં આ વર્ષે ગુણવત્તાયુક્ત કેસર કેરી માટે લોકોએ મે મહિનાના મધ્ય સુધી રાહ જાેવી પડશે.

ગીર સોમનાથ જિલ્લામાં આવેલા તલાલામાં કેરીની ૨૦૦ વેરાઈટી ઉગાડનારા ખેડૂત ગફુર કુરેશીએ જણાવ્યું કે, આ સિઝનમાં કેસર માટે હવામાન બિલકુલ અનુકૂળ નથી. જે ઝાડ પર ડિસેમ્બર મહિનામાં ફૂલ આવ્યા હતા, તેમાં ફળ ઉગવાની શરુઆત થઈ ચૂકી છે.

જ્યારે જે ઝાડ પર જાન્યુઆરી મહિનામાં ફૂલ આવ્યા હતા, તે ખરાબ થઈ ચૂક્યા છે. કેટલોક પાક ખરાબ વાતાવરણના કારણે તો કેટલોક પાક બીમારીના કારણે બરબાદ થઈ ચૂક્યો છે. સામાન્ય રીતે કેરીના ઝાડ પર ડિસેમ્બર મહિનામાં ફૂલ આવવાનું શરુ થઈ જતુ હોય છે.

આ શિયાળામાં તાપમાન ૨૫-૩૦ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે રાત્રીનું તપામાન ૧૦-૧૨ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જાણકારોનું કહેવું છે કે, દિવસ-રાત્રીના તાપમાનમાં ઉતાર ચઢાવ ૧૦ ડિગ્રીથી વધારે ન હોવું જાેઈએ. જાે કે, ડિસેમ્બરના અંતમાં શિયાળો શરુ થયો હતો અને એ પછી પડેલી ઠંડીના કારણે ફૂલોને નુકસાન થયુ હતુ.

ફેબ્રુઆરી મહિનામાં પણ આવું જ વાતાવરણ રહ્યું હતું. તાજેતરમાં જ અમરેલી અને જૂનાગઠના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેની અસર કેરીના પાક પર થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે, કેસર કેરીના બોક્સ કે જે મે મહિનાના પ્રારંભથી બજારમાં આવી શકે છે. તે કેરીઓને વહેલી પકાવવા માટે હોર્મોન્સનો ઉપયોગ કર્યો હતો.

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની હોર્ટીકલ્ચર કૉલેજના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ફ્રૂટ સાયસન્સના ડી.કે. વારુએ જણાવ્યું કે, નુકસાનનો અંદાજ કાઢવો એ વહેલો છે. પરંતુ શીત લહેર અને કમોસમી વરસાદે ચોક્કસથી કેટલાંક વિસ્તારોમાં પાકને નુકસાન પહોંચાડ્યું છે.

જે ૪૦ ટકા ઝાડ પર નવેમ્બર-ડિસેમ્બરમાં ફૂલ આવ્યા તેમાં વધારે કોઈ મુશ્કેલી નથી. પરંતુ જે ઝાડ પર ફેબ્રુઆરી મહિનામાં ફૂલ આવ્યા તે ઉંચા તાપમાનના કારણે ખરાબ થઈ ગયા છે.

તેઓએ જણાવ્યું કે, કેટલાંક બગીચા એવા છે કે જ્યાં જૂન સુધીમાં કેસર કેરી તોડી શકાય એમ છે, પરંતુ ચોમાસાની શરુઆત અન્ય પાકને નુકસાન પહોંચાડી શકે છે. ગીર ગઢડાના એક ખેડૂત મનસુખ ભુવાએ જણાવ્યું કે, કેરીની ખેતીને બે ભાગમાં વહેંચવામાં આવી છે.

દરિયાઈ તટની નજીકનો પાક એક બીમારીના કારણે પ્રભાવિત થયો છે. જ્યારે જંગલ વિસ્તારના પાકને કોઈ અસર થઈ નથી. મહત્વનું છે કે, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં આશરે ૨૫ હજાર હેક્ટર જમીનમાં કેસર કેરીની ખેતી થાય છે અને સરેરાશ સિઝનલ ઉત્પાદન ૨.૫૦ લાખ ટન છે. જાે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં હવામાન પરિવર્તનના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.