‘જિગરા’માં આલિયાની બહાદુરી સાઉથના બે દિગ્ગજોને પડકારશે
મુંબઈ, ફિલ્મ ઉદ્યોગના પર છવાયેલાં સંકટના વાદળ આ વર્ષે વિખરાઈ રહ્યા હોય તેમ જણાય છે. ૨૦૨૩માં શાહરૂખની બ્લોકબસ્ટર ફિલ્મોએ આત્મવિશ્વાસ વધાર્યાે હતો. આ વર્ષમાં અત્યાર સુધીની સૌથી મોટી હિટ બનેલી ‘કલ્કિ ૨૮૯૮ એડી’ પછી લો બજેટ ‘સ્ત્રી ૨’ને પણ ઓડિયન્સે પસંદ કરી છે.
‘સ્ત્રી ૨’ સાથે રિલીઝ થયેલી અન્ય બે ફિલ્મ ‘વેદા’ અને ‘ખેલ ખેલ મૈં’ને સારો રિસ્પોન્સ મળ્યો નથી, પરંતુ બિગ બજેટ ફિલ્મો વચ્ચે સીધી ટક્કરનો માર્ગ મોકળો થયો છે.
દશેરા પર બોક્સઓફિસ પર ફરી આતશબાજી જોવા મળે તેવી શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં આલિયા ભટ્ટની ‘જિગરા’ની સીધી ટક્કર રજનીકાંત અને સુરિયાની બે ફિલ્મો સાથે થવાની છે. રજનીકાંત અને અમિતાભ બચ્ચનની ‘વેટ્ટૈયન’ના પ્રોડક્શન હાઉસ લાઈકા પ્રોડક્શન્સે એક્સ હેન્ડલ પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું હતું. જેમાં રજનીકાંત પોલીસ યુનિફોર્મમાં જોવા મળે છે.
આ સાથે ફિલ્મને ૧૦ ઓક્ટોબરે રિલીઝ કરવાની જાહેરાત પણ થઈ હતી. તેને તમિલ, તેલુગુ અને કન્નડ ઉપરાંત હિન્દીમાં રિલઝ કરવામાં આવશે. ‘વેટ્ટૈયન’ રજનીકાંતની ૧૭૦મી ફિલ્મ છે, જેમાં અમિતાભ બચ્ચન અને ફહાદ ફાસિલ, રાણા દુગ્ગુબાટી, રિતિકા સિંગ, મંજુ વરિયાર અને દુશેરા વિજયન પણ મહત્ત્વના રોલમાં છે.
રજનીકાંત અને અમિતાભ બચ્ચન ૩૧ વર્ષ બાદ સાથે કોઈ ફિલ્મ કરવાના છે. અગાઉ ૧૯૯૧માં તેઓ ‘હમ’માં સાથે જોવા મળ્યા હતા. સ્ટુડિયો ગ્રીન દ્વારા પ્રોડ્યુસ થયેલી ‘કંગુવા’માં સુરિયાનો લીડ રોલ છે અને બોબી દેઓલ વિલન તરીકે જોવા મળશે. દિશા પટાણી, જગપતિ બાબુ, યોગી બાબુ જેવી સ્ટાર કાસ્ટ સાથે આ ફિલ્મમાં સાઉથ અને બોલિવૂડનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે.
૧૫૦૦ વર્ષ અગાઉના સમયને દર્શાવતી આ ફિલ્મનું ટ્રેલર જોતાં સુરિયા અને બોબીના કબીલાઓ વચ્ચે ચાલતા સંગ્રામની રોમાંચક કથા જણાય છે. આ ફિલ્મથી બોબી દેઓલ તમિલ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. તમિલ માર્કેટમાં આ બંને ફિલ્મો વચ્ચે સીધી ટક્કર નિશ્ચિત છે, પરંતુ પાન ઈન્ડિયા લેવલે તેનો મુકાબલો આલિયા ભટ્ટની ‘જિગરા’ સાથે થવાનો છે, જે ૧૧ ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.
કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી ‘જિગરા’માં આલિયાએ દિલધડક એક્શન સીક્વન્સ કર્યા છે અને ફિલ્મની રિયલ હીરો આલિયા જ છે.SS1MS