મોડી રાત્રે ગોધરા સબ જેલમાં તમામ ૧૧ દોષિતોએ કર્યું આત્મસમર્પણ
ગોધરા, સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદાને પગલે, બિલકીસ બાનો કેસના તમામ ૧૧ દોષિતોએ, ગઈકાલ રવિવારે મોડી રાત્રે ગુજરાતના પંચમહાલ જિલ્લાની ગોધરા સબ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.
લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર એન.એલ. દેસાઈએ જણાવ્યું હતું કે તમામ ૧૧ દોષિતોએ રવિવારે મોડી રાત્રે જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ કેસમાં ગુજરાત સરકાર દ્વારા ૧૧ દોષિતોને આપવામાં આવેલી માફી રદ કરીને સુપ્રીમ કોર્ટે ૮ જાન્યુઆરીએ મહત્વનો ચુકાદો આપ્યો હતો.
આ સાથે, કોર્ટે ૨૦૨૨ માં સ્વતંત્રતા દિવસ પર સજામાંથી મુક્ત થયેલા દોષિતોને બે અઠવાડિયામાં જ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે ગુનેગારોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવા અંગેની અરજીને ફગાવી દીધી હતી અને તેમને રવિવાર સુધીમાં આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું.
આ ૧૧ દોષિતોમાં બકાભાઈ વહોનિયા, બિપિન ચંદ્ર જાેશી, કેસરભાઈ વહોનિયા, ગોવિંદ, જસવંત, મિતેશ ભટ્ટ, પ્રદીપ મોરઠીયા, રાધેશ્યામ શાહ, રાજુભાઈ સોની, રમેશ અને શૈલેષ ભટ્ટનો સમાવેશ થાય છે.
ફેબ્રુઆરી ૨૦૦૨માં ગોધરા ટ્રેનના એસ-૬ ડબ્બામાં આગ લગાવીને સળગાવ્યા બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા ભયાનક કોમી રમખાણો સમયે બિલકીસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી.
રમખાણોથી બચવાનો પ્રયાસ કરતી વખતે, તેણી પર સામૂહિક બળાત્કાર આચરવામાં આવ્યો હતો અને તેની ત્રણ વર્ષની પુત્રી સહિત તેના પરિવારના સાત સભ્યોની ર્નિમમ હત્યા કરવામાં આવી હતી. SS1SS