Western Times News

Gujarati News

અયોધ્યામાં આખી રાત જાગરણઃ 10 લાખ દિવડાઓથી ઝગમગી ઉઠી નગરી

સર્વત્ર રામધુન-ભજનની ગૂંજ: સમગ્ર શહેરના તમામ સ્થળોએ રામજયોતિ: દિવાળી જેવો ઉત્સવ

અમદાવાદ,  ભગવાન શ્રીરામની જન્મભૂમી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉલ્લાસ ચરમસીમાએ પહોંચ્યો હતો. દિવસ અને રાતનો ભેદ ખત્મ થઈ ગયો હતો રાત્રે પણ રોશનીનો ઉજાસ પથરાયેલો હતો.આખી રાત અયોધ્યા જાગ્યુ હોવાનો અને ભગવાન શ્રીરામને આવકારવા ઉત્સુક રહ્યાનો ઘાટ સર્જાયો હતો. ચારે કોર-દરેક દિશામાં રામધુનની ગુંજ હતી. જુદા જુદા રંગ-રૂપ-સ્વરૂપ અને પહેરવેશમાં લોકો નજરે ચડયા હતા.

રામ કે આગમન સે સજી અયોધ્યા જેવા શબ્દો સાથેના ભજનો તથા રામધુમ આખી રાત ચાલુ રહી હતી અને ભકતો રામનામમાં લીન બની રહ્યા હતા. અલૌકિક વાતાવરણ સર્જાયુ હતું. ભગવાન શ્રીરામને વધાવવા માટે આખી રાત લોકોની આતુરતા ખતમ થયા બાદ આજે સાંજે પણ દિવ્ય વાતાવરણ સર્જાવાનુ છે.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ આજે સાંજે અયોધ્યાનગરી 10 લાખ દિવડાઓથી ઝગમગાટ છે.

અયોધ્યાનાં પૂર્વ રાજાનું ભવ્ય આવાસ રાજસદન તમામ મંદિરો અને ઘર-ઈમારતોમાં રોશનીનો ઝગમગાટ હોવાથી રામ દિપાવલીનો માહોલ રહ્યો છે. સમગ્ર અયોધ્યાને આકર્ષક રીતે સજાવવામાં આવી છે. ખાસ કરીને રામપથ અને ધર્મપક્ષની સજાવટ અદભુત છે.

અયોધ્યામાં મકાનો, દુકાનો, પ્રતિષ્ઠાનો તથા પૌરાણીક સ્થળોએ રામજયોતિ પ્રજજવલીત કરવામાં આવી હતી. પવિત્ર સરયુ નદીના તટો માટીથી બનેલા દિવડાઓનાં દીપથી પ્રજજવલીત બનશે.પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામજયોતિ પ્રજજવલીત કરીને દિવાળી મનાવવામાં આવશે.

100 જેટલા મુખ્ય મંદિરો તથા જાહેર સ્થળોએ દીપ પ્રજજવલીત કરવામાં આવશે. ‘અવધ મેં રામ આતે હૈ’ની ગુંજ ચારેકોર છે. અયોધ્યાનાં શાહી પરિવારનું આવાસ રોશનીથી ઝગમગી રહ્યું છે.

પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે રામમંદિર સંકુલમાં મહારાષ્ટ્રથી મંગાવાયેલા 7500 વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા. જન્મભૂમી સંકુલમાં નક્ષત્રવાટીકાની ખુબસુરતી આકર્ષણ સર્જનારી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.