સમાજના તમામ વર્ગાેના વિકાસ માટે હંમેશા સક્રિય: મુર્મૂ

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ તરીકે બે વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે જણાવ્યું હતું કે, તે સમાજના તમામ વર્ગાેના વિકાસ માટે યોગદાન આપવાનો હંમેશા પ્રયાસ કરે છે. ખાસ કરીને વંચિત અને પછાત વર્ગાેના વિકાસ માટે તે સક્રિય છે. મુર્મૂએ જણાવ્યું હતું કે, “છેલ્લા બે વર્ષમાં એવા ઘણા નિર્ણયો લેવાયા છે જેને લીધે રાષ્ટ્રપતિ ભવનમાં જાહેર જનતા સાથેનો સંવાદ વધ્યો છે.”
બે વર્ષનો કાર્યકાળ પૂરો કરવાના પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મૂએ એક શિક્ષકની ભૂમિકામાં ડો. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલયના નવમા ધોરણના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યાે હતો.
ઉલ્લેખનીય છે કે, મુર્મૂ ભૂતકાળમાં શિક્ષક પણ રહી ચૂક્યા છે. તેમણે વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અને ક્લાઇમેટ ચેન્જના પાઠ શીખવ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના બાળપણને યાદ કરતા બાળકો સાથે છોડ અને પ્રાણીઓની જાળવણીના તેમના સંભારણા વાગોળ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના નિવેદન અનુસાર વિદ્યાર્થીઓએ પણ સંવાદમાં ઉત્સાહથી ભાગ લીધો હતો અને ઘણા સૂચનો કર્યા હતા.
૨૦ જૂન, ૧૯૫૮ના રોજ ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં જન્મેલા મુર્મૂ ૨૫ જુલાઇ, ૨૦૨૨ના રોજ દેશના ૧૫મા રાષ્ટ્રપતિ બન્યા હતા. એ પહેલાં તે ૨૦૧૫થી ૨૦૨૧ સુધી ઝારખંડના રાજ્યપાલ હતા.
દ્રૌપદી મુર્મુએ પુનઃ વિકસિત શિવ મંદિરનું ઉદઘાટન કર્યું હતું અને ‘પ્રણવ મુખરજી પબ્લિક લાઇબ્રેરી’ની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે રાષ્ટ્રપતિ ભવનની લાઇબ્રેરીમાં પ્રાચીને અને જવલ્લે જોવા મળતા પુસ્તકોના ડિજિટલ વર્ઝન નિહાળ્યા હતા.SS1MS