મ્યુનિ. ઢોર ત્રાસ વિભાગની નબળી કામગીરી સામે સ્ટેન્ડિગ કમિટીમાં ઉગ્ર ચર્ચા

પ્રતિકાત્મક
દૈનિક મોટી રકમ ખર્યાય છે તેમ છતાં ર૪ કલાકમાં માત્ર પ૦-૬૦ જ રખડતા ઢોર પકડાય છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, નામદાર ગુજરાત હાઈકોર્ટના કડક વલણ છતાં અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહયો છે તેમજ ઢોરત્રાસ અંકુશ વિભાગની કામગીરી અત્યંત નબળી સાબિત થઈ રહી છે આ અંગે મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિમાં ઉગ્ર ચર્ચા થઈ હતી.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં રખડતા ઢોર પકડવા માટે કુલ ર૧ ટીમ છે તેમજ દરેક ટીમમાં ૭ સભ્ય છે જેમની પાછળ દૈનિક લાખો રૂપિયા ખર્ચ થાય છે તેમ છતાં ર૪ કલાકમાં માત્ર પ૦-૬૦ જ રખડતા ઢોર પકડાય છે.
જેના કારણે હાઈકોર્ટ સમક્ષ જવાબ આપવો પણ ભારે પડી રહયો છે. ઢોર ત્રાસ વિભાગના અધિકારીઓને વારંવાર ટકોર કરવા છતાં કોઈ જ સુધારો થયો હોય તેમ જણાતો નથી તેથી કમિટિમાં તેમને કામગીરી સુધારા માટે અંતિમ ચેતવણી આપવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશન તરફથી જે ફુટપાથો બનાવવામાં આવે છે તે ફુટપાથોનો ઉપયોગ નાગરિકો માટે થતો નથી પરંતુ ફુટપાથો પર વિવિધ પ્રકારના દબાણો થઈ જાય છે. જે અંગે એસ્ટેટ ખાતાને સુચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં નારોલ-નરોડા હાઈવે, પ્રહલાદનગર, આર.ટી.ઓ.થી પિરાણા રોડ સુધી સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યા હતા.
પરંતુ હાલ તમામ સ્થળેથી સાયકલ ટ્રેક ગાયબ થઈ ગયા છે અને તેની ઉપર અનેક પ્રકારના દબાણો થઈ ગયા છે જે અંગે પણ ઝડપથી કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.