Western Times News

Gujarati News

AMC નારોલ, દાણીલીમડા અને બહેરામપુરાના ઔદ્યોગિક એકમોને ટ્રીટેડ વોટર સપ્લાય કરશે

પ્રતિકાત્મક

AMC પીરાણા ખાતે ૧પ૦ એમએલડીનો ટીટીપી પ્લાન્ટ બનાવશે: ટ્રીટેડ વોટર સપ્લાય શરૂ થયા બાદ ઈન્ડ. બોર બંધ કરવામાં આવશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરની ધરોહર સમાન સાબરમતી નદીને પ્રદુષિત થતી રોકવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મ્યુનિ. કોર્પોરેશનને ખાસ આદેશ કરવામાં આવ્યા છે જે મુજબ એસટીપીના ટ્રીટેડ વોટરને સીધા નદીમાં ન છોડતા ઝેડએલડી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવા જણાવ્યું હતું જેમાં એસટીપીમાં જે પાણી ટ્રીટ થાય તે પૈકી ૮૦ટકા જેટલા પાણીનો રીયુઝ કરવામાં આવે અને ર૦ ટકા પાણીને બાળી નાંખવામાં આવે છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને હાઈકોર્ટની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી પીરાણા ખાતે નવો પ્લાન્ટ શરૂ કરવા માટે આયોજન શરૂ કર્યું છે. જેમાં દૈનિક ૧પ૦ એમએલડી પાણીને ટ્રીટ કરી નારોલ, દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારની ફેકટરીઓને ટ્રીટેડ વોટર વહેંચવામાં આવશે. જેના કારણે મ્યુનિ. કોર્પોરેશનને આવક થશે અને નદીનું પ્રદુષણ પણ બંધ થશે સદર પ્લાન્ટ શરૂ થયા બાદ ફેકટરીઓમાં કાર્યરત ખાનગી બોર બંધ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પીરાણા ખાતે ૧પ૦ એમએલડી ક્ષમતાનું ટરર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. પીરાણા ખાતે તૈયાર થઈ રહેલ ર૪૦ એમએલડી ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ટ્રીટેડ વોટર સદર પ્લાન્ટમાં લેવામાં આવશે જયાં તેને ફરીથી ટ્રીટ કરી નારોલ, દાણીલીમડા અને બહેરામપુરાના ઔદ્યોગિક એકમોને વેચાણ કરવામાં આવશે.

પીરાણામાં તૈયાર થનાર ટરર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી આ વિસ્તારમાં આવેલ કુલ ૮ર૩ ઔદ્યોગિક એકમોને ટ્રીટેડ વોટર આપવામાં આવશે જેમાં કર્ણાવતી એસોસીએશનના ૧૬૩ નારોલ એસોસીએશનના ૧૩૮ અમદાવાદ હેન્ડ પ્રિન્ટીંગ એસોસીએશનના પરર એકમોનો સમાવેશ થાય છે. આ ત્રણેય એસોસીએશન દ્વારા દૈનિક ૧૮૦ એમએલડી ટ્રીટેડ વોટરની ડીમાન્ડ કરવામાં આવી છે.

કર્ણાવતી એસોસીએશન દ્વારા પ૦, નારોલ એસોસીએશને ૧૦૦ અને હેન્ડ પ્રિન્ટીંગ એસોસીએશને ૩૦ એમએલડી પાણીની માંગણી કરી છે જેના માટે અંદાજે ૧૦૦ કિ.મી. ના નવા નેટવર્ક નાંખવામાં આવશે. મ્યુનિ. કોર્પો. દ્વારા આ તમામ એકમોને ટ્રીટેડ વોટર રીયુઝ માટે વેચાણ કરવામાં આવશે જેના માટે અલગથી દર નકકી થશે. સુરતમાં હાલ પ્રતિ એક હજાર લીટરે રૂા.પર ના ભાવથી ટ્રીટેડ વોટરનું વેચાણ થઈ રહયું છે. મ્યુનિ. કોર્પો. દ્વારા લગભગ રૂા.૪૦ના ભાવથી વેચવામાં આવે તેવો અંદાજ છે.

મ્યુનિ. સીટી ઈજનેર હરપાલસિંહ ઝાલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સદર પ્લાન્ટ માટે અંદાજે રૂા.૬૬૦ કરોડનો ખર્ચ થઈ શકે છે જેમાં પાણી સ્ટોરેજ માટે રિસર્વર રીર્ઝરવ બનાવવા માટે રૂા.૧૦ કરોડ, ટીટીપી માટે પ૬૪ કરોડ અને નેટવર્ક માટે રૂા.૮૬ કરોડનો ખર્ચ થશે. કર્ણાવતી એસોસીએશન માટે અંદાજે રપ કી.મી. નારોલ એસોસીએશન માટે અંદાજે ૪૦ અને સ્કીન પ્રિન્ટીંગ એસોસીએશન માટે ૩પ કિ.મી.ના નેટવર્ક નાંખવામાં આવશે.

મ્યુનિ. કોર્પો. દ્વારા ટરર્સરી પ્લાન્ટ માટે ઔદ્યોગિક એકમોને ટીટ્રેર વોટર સપ્લાય શરૂ કરવામાં આવ્યા બાદ તમામ એકમોમાં કાર્યરત પાણીના બોર બંધ કરવામાં આવશે જેના કારણે ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે તેમજ હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ પાણીનું રીયુઝ થશે જેથી સાબરમતી નદીના પ્રદુષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે તેમ તેમણે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.