અભિનેત્રી અમૃતા રાવના ત્યાં પારણું બંધાવાની તૈયારી
મુંબઈ: જ્યારે પર્સનલ લાઈફની વાત આવે છે ત્યારે એક્ટ્રેસ અમૃતા રાવે હંમેશા તેને સિક્રેટ રાખવાની પસંદ કરી છે. અમૃતા અને આરજે અનમોલ માતા-પિતા બનવાના છે. અમૃતા ડોક્ટરના ક્લિનિક બહાર પતિ સાથે જોવા મળી હતી, તેના ચહેરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો દેખાઈ રહ્યો હતો. અમૃતા અને અનમોલે ૭ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ વર્ષ ૨૦૧૬માં લગ્ન કર્યા હતા. તેના લગ્નમાં માત્ર પરિવારજનો અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એક્ટ્રેસના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, તે તેના જીવનના આ સમયગાળાને માણી રહી છે.
જ્યારે લોકો તેની પ્રેગ્નેન્સી વિશે અજાણ છે, ત્યારે માત્ર કપલના નજીકના મિત્રો જ આ વાત જાણે છે. લોકડાઉન થયું તે પહેલા જ અમૃતા પ્રેગ્નેન્ટ હોવાના ન્યૂઝ મળ્યા હતા અને લોકડાઉનના સમયગાળા દરમિયાન કપલને એકબીજા સાથે સારો સમય પસાર કરવા મળ્યો. અનમોલ અને અમૃતા પોતાના અંગત જીવનને ગુપ્ત રાખવામાં માને છે. અમૃતા રાવની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, તેણે ફિલ્મ અબ કે બરસથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું, જે વર્ષ ૨૦૦૨માં રિલીઝ થઈ હતી. જો કે, અમૃતાને સૌથી વધારે ફિલ્મ ઈશ્ક-વિશ્ક અને વિવાહમાં પસંદ કરવામાં આવી હતી.
આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથેની તેની જોડી ફેન્સને પસંદ આવી હતી. અમૃતા રાવ છેલ્લે ૨૦૧૯માં આવેલી ફિલ્મ ઠાકરેમાં નવાઝુદ્દીન સિદ્દીકીની ઓપોઝિટમાં જોવા મળી હતી. તેણે આ ફિલ્મમાં નવાઝુદ્દીનની ઓન-સ્ક્રીન પત્ની મીનાનો રોલ કર્યો હતો. આ ફિલ્મ બાલા સાહેબ ઠાકરેના જીવન પર આધારિત હતી.