આર્મી યુનિફોર્મ સ્ટોર સંચાલક સેનાની માહિતી પાક.ની એજન્સીને મોકલતો હતો
(એજન્સી)જયપુર, પાકિસ્તાનની ત્રણ મહિલાઓ એજન્ટોની જાળમાં ફસાયા બાદ ભારતીય સેનાની ગુપ્ત માહિતી મોકલવાના જાસૂસીના આરોપમાં રાજસ્થાન પોલીસની ગુપ્તચર ટીમે આર્મી યુનિફોર્મ સ્ટોર સંચાલકની ધરપકડ કરી છે.
અધિક પોલીસ મહાનિર્દેશક (ગુપ્તચર) સંજય અગ્રવાલે કહ્યું કે, આરોપી આનંદરાજ સિંહ (ઉ.વ.૨૨) સેનાની ગુપ્ત માહિતી એકત્ર કરતો હતો અને તે સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના આકાઓને શેર કરતો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીનો રાજસ્થાનના સૂરતગઢ છાવણી બહાર આર્મી યુનિફોર્મનો સ્ટોર છે.
રાજસ્થાન પોલીસ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની જાસૂસી પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહ્યું છે. ગુપ્તચર એજન્સીને સચોટ માહિતી મળી હતી કે, સૂરતગઢમાં છાવણી બહાર સેનાના યુનિફોર્મનો સ્ટોર ધરાવતો આનંદરાજ નામન યુવક પાકિસ્તાન ગુપ્તચર એજન્સીઓની ત્રણ મહિલાઓના સતત સંપર્કમાં છે અને તે સોશિયલ મીડિયાથી સેનાની ગુપ્ત માહિતી મહિલાઓે મોકલી રહ્યો છે.
અગ્રવાલે જણાવ્યું કે, આરોપી સેનાના પરિસર પાસે કામ કરતો હોવાથી ઘણા કર્મચારીઓના સંપર્કમાં હતો અને તેની પાસે સેનાની ઘણી ગુપ્ત માહિતી હતી.