Western Times News

Gujarati News

આજે સાંજથી દેશભરમાં આચારસંહિતા લાગુ થશે: સરકારને કયા નિયમો લાગશે

પ્રતિકાત્મક

પ્રતિકાત્મક

આચારસંહિતા ચૂંટણીની જાહેરાતથી પરિણામો જાહેર થવા સુધી લાગુ રહે છે

– આચાર સંહિતા લાગુ થવા પહેલાથી ચાલી રહેલા વિકાસ કાર્યો અને યોજનાઓ પર રોક લગાવવામાં નથી આવતી. પરંતુ તેનો ચૂંટણી પ્રોપગેન્ડાની જેમ ઉપયોગ કરવા પર જરૂર રોક લગાવવામાં આવે છે.

(એજન્સી)નવી દિલ્હી, છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં હવે ખુદ ચૂંટણીપંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે તેઓ આવતીકાલે લોકસભા ચૂંટણી ૨૦૨૪નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરાશે.

ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની સાથે-સાથે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરી શકે છે. ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચારસંહિતા (એમસીસી) લાગુ થઈ જશે. મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) રાજીવ કુમાર આચારસંહિતા લાગુ થવાની જાહેરાત કરશે. આદર્શ આચારસંહિતાનો અર્થ પાર્ટીઓ અને ઉમેદવારો માટે બનેલી ગાઈડલાઈન છે. આચારસંહિતા ચૂંટણીની જાહેરાતથી પ્રક્રિયા પૂરી થવા સુધી એટલે કે, પરિણામો જાહેર થવા સુધી લાગુ રહે છે.

બંધારણમાં આદર્શ આચારસંહિતાની જોગવાઈ નથી. ભારતની ચૂંટણી પ્રક્રિયામાં આદર્શ આચારસંહિતાને કડકાઈથી પ્રખ્યાત ચૂંટણી કમિશનર ટીએન શેષને લાગુ કરી હતી. એમસીસીહેઠળ કેટલાક નિયમો છે જેનું રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોએ પાલન કરવું ફરજિયાત છે. આ નિયમોના ઉલ્લંઘન કરવા બદલ ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરે છે.

આદર્શ આચાર સંહિતા એ ગાઈડલાઈનનું કલેક્શન છે જે ચૂંટણી પંચે બનાવી છે જેથી કરીને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજી શકાય. આદર્શ આચાર સંહિતા આઠ ભાગોમાં વહેંચાયેલી છે. ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે આદર્શ આચાર સંહિતા ‘રાજકીય પક્ષો અને ઉમેદવારોના માર્ગદર્શન માટે’ છે. તેમાં સામાન્ય આચરણથી લઈને બેઠકો, સરઘસો સાથે સંબંધિત ગાઈડલાઈન છે.

ચૂંટણી ઢંઢેરામાં શું કરી શકાય તે અંગેના નિયમો પણ છે. એમસીસી પોતાનામાં કાયદેસર રીતે અસરકારક નથી પરંતુ ચૂંટણી પંચને લોકપ્રતિનિધિત્વ કાયદા હેઠળ તેની તાકાત મળે છે. આદર્શ આચાર સંહિતાનો ભૌગોલિક વિસ્તાર સમગ્ર ચૂંટણી ક્ષેત્ર હોય છે.

આદર્શ આચાર સંહિતાઃ સત્તારૂઢ પાર્ટી માટે મુખ્ય નિયમ
– આદર્શ આચારસંહિતા લાગુ થતાં જ સરકારને લોકલુભાવન જાહેરાતો કરવા પર પ્રતિબંધ લાગી જાય છે. સરકાર કોઈ નીતિગત નિર્ણય ન લઈ શકે.
– આચારસંહિતા લાગુ રહે તે દરમિયાન કોઈ પણ નવી યોજનાને લાગુ ન કરી શકાય. મંત્રીઓના ચૂંટણી કામ માટે સરકારી મશીનરીના ઉપયોગ પર પ્રતિબંધ છે.
– આદર્શ આચાર સંહિતા દરમિયાન સરકાર કોઈપણ પ્રકારની આર્થિક ગ્રાન્ટ, રસ્તા કે અન્ય સુવિધાઓનું વચન, એડ હોકની નિમણૂંક ન કરી શકે.
– આચાર સંહિતા લાગુ થવા પહેલાથી ચાલી રહેલા વિકાસ કાર્યો અને યોજનાઓ પર રોક લગાવવામાં નથી આવતી. પરંતુ તેનો ચૂંટણી પ્રોપગેન્ડાની જેમ ઉપયોગ કરવા પર જરૂર રોક લગાવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.