વડતાલ સ્વામિનારાયણ મંદિરે સાત પાર્ષદોએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ગાદી આરૂઢ થયા ત્યારથી આજદિન સુધીમાં ૮૬૬ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી ચૂકયા છે.
નડિયાદ, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ તીર્થધામ વડતાલ ખાતે ચૈત્ર સુદ એકાદશીના શુભ દિને વડતાલ ગાદીપતિ આચાર્ય પૂ.રાકેશપ્રસાદજી મહારાજે સ.ગુ. ગોપાળાનંદ સ્વામીના આસને સાત પાર્ષદો પૈકી બે પાર્ષદોને બ્રહ્મચારી તથા પાંચ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. પૂ. આચાર્ય મહારાજ ગાદી આરૂઢ થયા બાદ આજદિન સુધી કુલ ૮પપ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે સંતોને ભાગવતી દીક્ષા આપવાનો અધિકાર માત્ર ને માત્ર બે દેશના ગાદી આરૂઢ આચાર્ય મહારાજને આપેલ છે. આચાર્ય મહારાજ સિવાય કોઈ પણ વ્યક્તિ સ્વામિનારાયણના સાધુને દીક્ષા આપવાનો અધિકાર નથી. ચૈત્ર સુદ એકાદશીના શુભ દિને સવારે શણગાર આરતી બાદ ગોપાળાનંદ સ્વામીના આસને દીક્ષાર્થી પાર્ષદના હસ્તે પૂજાવિધિ યોજાઈ હતી.
દરમિયાન સવારે ૯.૪પ કલાકે આચાર્ય મહારાજ મંદિરના કોઠારી સહિત સૌ અગ્રણી સંતો સ.ગુ.ગોપાળાનંદ સ્વામીના આસને પધાર્યા હતા. જયાં આચાર્ય મહારાજે સૌ દીક્ષાર્થી પાર્ષદોને કંઠી, યજ્ઞોપવિત પહેરાવી કાનમાં ગુરૂમંત્ર આપ્યો હતો. આજે મહારાજએ બે બ્રહ્મચારી તથા પાંચ પાર્ષદોને સંત તરીકેની ભાગવતી દીક્ષા આપી હતી. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ગાદી આરૂઢ થયા ત્યારથી આજદિન સુધીમાં ૮૬૬ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી ચૂકયા છે.
આચાર્ય મહારાજે સહુ દીક્ષાર્થી સંતો સાથે સમુહ તસ્વીર પડાવી હતી. આ પ્રસંગે મંદિરના મુખ્ય કોઠારી સંત સ્વામી, શ્યામવલ્લમ સ્વામી સહિત સૌ સંતો સભામંડપમાં પધાર્યા હતા. જયાં ઉપસ્થિત હરિભક્તોએ સૌ નવદિક્ષીત સંતોને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. ગાદીવાળા માતૃએ સરધાર, ભાવનગર, મહુવા અને રાજકોટના ૧૮ બહેનોને સાંખ્યયોગીની દીક્ષા આપી હતી.