માથાભારે શખ્સ દ્વારા બાઈકચાલક આધેડ પર ધારિયા વડે હુમલો
૧૮ ટાંકા આવતા ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યો
પાટણ, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રાણીસરગામના માથાભારે ઈસમે નિર્દોષ વ્યક્તિને માથામાં ધારિયું ફટકારતા આ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારઅર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રાણસર ગામે રહેતા સુલતાનજી ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન પર ગયા હતા ત્યારે સસ્તા અનાજની દુકાન બંધ હોય તેઓને ફોન કરી સસ્તા અનાજની દુકાનના માલિકને દુકાન પર આવ્યા હોવાનું જણાવતા સસ્તા અનાજની દુકાનના માલિક દ્વારા દુકાન નહી ખુલે
તેમ જણાવી કાલે આવવાનું જણાવતા પોતાને ધકકો ખાવો ન પડે તે માટે દુકાને આવવા ફરીથી દુકાન માલિકને જણાવતા ઉશ્કેરાયેલા સસ્તા અનાજની દુકાન માલિક દ્વારા તેમના મળતિયા અને ગામમાં માથાભારે ઈસમની છાપ ધરાવતા અલીમહંમદ શરીફને આ બાબતે જણાવતા તેઓએ સુલતાનજીને ધમકી આપી રસ્તા પરથી નીકળીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સુલતાનજી મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે રોડ વચ્ચે ધારિયું લઈને ઉભેલા અલીમહંમદે સુલતાનજી ઉપર ધારિયા વડે હુમલો કરતા તેઓ મોટરસાયકલ પરથી નીચે પટકાતા ફરીથી ધારિયાનો ઘા માથામાં મારતા સુલતાનજી લોહીલુહાણ બનતા તેઓએ બૂમાબૂમ કરતા રોડ બાજુમાં આવેલા ખેતરમાં બેઠેલા અહેમદભાઈ નામના શખ્સે આવી વધુ મારમાંથી
તેઓને છોડાવી સારવારઅર્થે વારાહી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા માથામાં ૧૮ ટાંકા આવ્યા હોવાનું ઈજાગ્રસ્ત સુલતાનજીએ જણાવી આ મામલે તેઓ દ્વારા અલીમહંમદ નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું.