Western Times News

Gujarati News

બહેરામપુરા CETP: L&T કંપનીએ પ્લાન્ટ બંધ કરવાની ચીમકી આપતા મ્યુનિ. તંત્ર સફાળુ જાગ્યું

પ્રતિકાત્મક

એલ એન્ડ ટી કંપનીના બાકી રૂપિયા ૮ કરોડ ચુકવવા ડેપ્યુટી કમિશ્નરે બાંહેધરી આપી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા બહેરામપુરામાં બનાવવામાં આવેલા ૩૦ એમએમલડી ક્ષમતાના સીઈટીપીનો વિવાદ વઘુ ઘેરો બન્યો છે. પ્લાન્ટમાં પેરામીટર્સ મુજબ પાણીની આવક થતી ન હોવાથી આઉટલેટમાં પણ પેરામીટર્સ જળવાઈ તેવી કોઈ શકયતા રહેતી નથી. મ્યુનિ. કોર્પોરેશને આ બાબતને મુદ્દો બનાવી કોન્ટ્રાકટરના પેમેન્ટ પર બ્રેક લગાવી છે

જયારે કોન્ટ્રાકટરે ઈનલેટ પેરામીટર્સ ન જળવાઈ તો કામ ન કરવાની ચીમકી આપતા મ્યુનિ. અધિકારીઓ અને હેન્ડ સ્કીન પ્રિન્ટીગના હોદ્દેદારો સફાળા જાગ્રત થયા હતા તથા શુક્રવારે સાંજે ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર, સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસીએશનના હોદ્દેદારો તથા એલએન્ડટી કંપનીના અધિકારીઓ વચ્ચે મેરેથોન મીટીંગ થઈ હતી. જેમાં ડેપ્યુટી કમિશનરે બંને પાર્ટીઓને હાઈકોર્ટની ચીમકી આપી હતી.

અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા સપ્ટેમ્બર – ર૦ર૩માં બહેરામપુરા ખાતે ૩૦ એમએલડી સીઈટીપીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે સમયે સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસીએશન દ્વારા જે ખાત્રી અને બાહેંધરી આપવામાં આવ્યા હતા તે પૈકી એક પણ ખાત્રીનું પાલન થયું નથી. મ્યુનિ. કોર્પોરેશનના ચોપડે માત્ર ૭ર૩ ફેકટરીના જ કનેકશન રજીસ્ટર થયા છે પરંતુ સીઈટીપીમાં જે મુજબ પ્રદુષિત પાણીની આવક થાય છે

તે મુજબ કનેકશનનોની સંખ્યા અનેક ઘણી વધારે હોવાનું માનવામાં આવી રહયું છે. આ ઉપરાંત સીઈટીપી લોકાર્પણ સમયે એસોસીએશને પ્રાયમરી ટ્રીટમેન્ટ કરીને જ સીઈટીપીમાં પાણી છોડવા માટે બાંહેધરી આપી હતી પરંતુ એસોસીએશન દ્વારા આ બાંહેધરીનું પણ પાલન કરવામાં આવ્યું નથી તેવો આક્ષેપ એલએન્ડટી દ્વારા કરવામાં આવ્યો છે.

જેના કારણે પ્રદુષિત પાણી ટ્રીટમેન્ટ થયા બાદ પેરામીટર જળવાતા નથી. સીઈટીપીમાં પ્રદુષિત પાણીના પેરામીટર જળવાતા ન હોવા તથા ક્ષમતા કરતા વધુ પાણી છોડવામાં આવી રહયું છે તે બાબતે એલએન્ડટી કંપની દ્વારા મ્યુનિ. કોર્પોરેશનમાં અનેક વખત લેખિત ફરિયાદ કરી છે પરંતુ મ્યુનિ. એસટીપી વિભાગ, ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ આ બાબતને હળવાશથી લેતા હતા

તથા કંપનીને દબાવવા માટે તેના પેમેન્ટ પણ રોકી રાખ્યા છે એક અંદાજ મુજબ મ્યુનિ. કોર્પોરેશને એલએન્ડટી કંપનીના રૂ.૮ કરોડના પેમેન્ટ હજી સુધી ચુકવ્યા નથી. આ કારણોસર નારાજ એલએન્ડટી કંપનીએ ઈનલેટના પાણીમાં સુધારો તેમજ બાકી પેમેન્ટ ન થાય તો કામ બંધ કરવાની ચેતવણી કોર્પોરેશનને આપી હતી તેથી સફાળા જાગેલા અધિકારીઓએ એલએન્ડટી કંપની અને એસોસીએશનના હોદ્દેદારોને બોલાવી બંધ બારણે મેરેથોન મીટીંગ કરી હતી.

મ્યુનિ. કોર્પોરેશનના આધારભુત સુત્રોએ જણાવ્યા મુજબ ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર (વોટર એન્ડ ડ્રેનેજ), ના અધ્યક્ષસ્થાને મળેલી મીટીંગમાં એસોસીએશનને પેરામીટર્સમાં સુધારો કરવા તેમજ પ્રાયમરી ટ્રીટમેન્ટ કર્યા બાદ જ સીઈટીપીમાં પાણી છોડવા માટે સુચના આપવામાં આવી હતી તેમજ એલએન્ડટી કંપનીને પણ ઈનલેટના પેરામીટર્સ એસોસીએશનને આપવા સૂચના આપી છે.

જો બંને પક્ષકારોમાં કોઈ સુધારો નહીં થાય તો કોર્પાેરેશન આ મામલે હાઈકોર્ટને પણ લેખીતમાં જાણ કરશે તેવી ચીમકી ડેપ્યુટી કમિશનરે આપી હતી. એસોસીએશને પ્લાન્ટની સ્વખર્ચે ડિઝાઈન બદલવા કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. આગામી ત્રણ-ચાર દિવસમાં જ કંપની અને એસોસીએશન વચ્ચે મીટીંગ થાય તેવી શકયતા છે.

એસોસીએશન દ્વારા ઓ એન્ડ એમનું પેમેન્ટ કોર્પાેરેશનને એડવાન્સમાં ચૂકવવામાં આવ્યું તે કોર્પાેરેશન દ્વારા હજુ તે કંપનીને આપવામાં આવ્યું નથી તેથી ડેપ્યુટી.કમિશ્નરે એલએન્ડટી કંપનીને ટુંક સમયમાં જ તમામ પેમેન્ટ ચુકવવા માટે પણ બાંહેધરી આપી છે.

 


Read News In Hindi

Read News in English

1 thought on “બહેરામપુરા CETP: L&T કંપનીએ પ્લાન્ટ બંધ કરવાની ચીમકી આપતા મ્યુનિ. તંત્ર સફાળુ જાગ્યું

Comments are closed.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.