શેફાલી બજાજે સૌથી મોંઘો ૨૮ કરોડનો ફ્લેટ ખરીદ્યો
બજાજ ફેમિલીએ મુંબઈમાં સમુદ્ર કાંઠે ૫ ફ્લેટ ખરીદ્યા-અન્ય પરિવારજનોએ ૨૮થી ૧૬ કરોડ રૂપિયાના ફ્લેટ ખરીદ્યાઃ સી ફેસિંગ ટાવરમાં લક્ઝરી ફ્લેટની ખરીદી
મુંબઈ, બજાજ ફેમિલી ભારતમાં સૌથી પ્રતિષ્ઠિત અને ધનાઢ્ય ઉદ્યોગજૂથોમાં સ્થાન ધરાવે છે. તેથી બજાર પરિવાર જ્યારે કોઈ પ્રોપર્ટીની ખરીદી કરે ત્યારે તે બહુ પ્રીમિયમ હોય તે સમજી શકાય છે.
તાજેતરમાં બજાર પરિવારના સભ્યોએ મુંબઈમાં અરબી સમુદ્રના કાંઠે એક-બે નહીં પણ એકસાથે પાંચ ફ્લેટ ખરીદ્યા છે અને આ તમામ અત્યંત લક્ઝરીયસ એપાર્ટમેન્ટની કેટેગરીમાં આવે છે જેની કુલ કિંમત ૧૦૪ કરોડ રૂપિયા થાય છે. આ ખરીદી મુંબઈના સૌથી પોશ વિસ્તારો પૈકી એક સાઉથ મુંબઈમાં કરવામાં આવી છે અને તેના કારણે તેની કિંમત પણ ઉંચી છે.
આ પાંચ ફ્લેટ માટે ૧૦૪ કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી છે. બજાજ જૂથ દ્વારા આ પાંચ ફ્લેટ અરબી સમુદ્રના કિનારે રાહેજા વિવેરિયા ટાવરમાં ખરીદવામાં આવ્યા છે. સાઉથ મુંબઈમાં મહાલક્ષ્મી એરિયામાં આ ફ્લેટ આવેલા છે. પાંચમાંથી બે ફ્લેટ નિર્વાણ ફેમિલી ટ્રસ્ટના નામે ખરીદાયા છે જ્યારે શેફાલી બજાજ, સંજલી બજાજ અને મનીષ કેજરીવાલે એક-એક ફ્લેટ ખરીદ્યા છે.
શેફાલી બજાજ એ બજાજ ફિનસર્વના એમડી સંજીવ બજાજના પત્ની છે. તેમણે જે ફ્લેટ ખરીદ્યો છે તેની કિંમત ૨૮.૩૧ કરોડ રૂપિયા આંકવામાં આવે છે અને પાંચેય ફ્લેટમાં તેની કિંમત સૌથી વધારે છે. તમામ આધુનિક સગવડોથી સજ્જ આ ફ્લેટ લગભગ ૩૪૦૦ ચોરસ ફૂટનો એરિયા ધરાવે છે અને આ બિલ્ડિંગમાં ૩૯માં માળે આવેલો છે. તેમના પુત્રી સંજલીએ પણ ૩૮માં માળે ફ્લેટ ખરીદ્યો છે અને તેની કિંમત ૨૮.૨૭ કરોડ રૂપિયા છે.
બજાજ પરિવારના જમાઈ કેજરીવાલે જે ફ્લેટ ખરીદ્યો તે આ ટાવરમાં ૩૬માં માળે આવેલો છે અને તેનો એરિયા ૨૪૩૩ ચોરસ ફૂટ છે. આ ફ્લેટ માટે ૧૫.૪૭ કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. આ ઉપરાંત નિર્વાણ ફેમિલી ટ્રસ્ટના નામે પણ એક સરખી સાઈઝના બે પ્લેટ ખરીદવામાં આવ્યા છે અને તેની કિંમત ૧૫.૮૪ કરોડ રૂપિયા છે.